ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ભારતીય પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીના સન્માન માટે તેમજ તા.16 નવેમ્બર, 1966ના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. તેની યાદમાં પ્રતિવર્ષ તા.16 નવેમ્બરના રોજ ‘નેશનલ પ્રેસ ડે’ની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’નું મહત્વ એટલા માટે છે કે, તે આપણને મીડિયાની સ્વતંત્રતા અને તેના કર્તવ્યોની યાદ અપાવે છે, આ દિવસ પત્રકારત્વના ક્ષેત્રમાં નિષ્પક્ષતા, અખંડિતતા અને જવાબદારીની જરૂરિયાત સમજાવે છે, સાથે જ, તે સમાજમાં જાગરૂકતાનું નિર્માણ કરે છે. લોકશાહીના મજબૂત સ્તંભ, આ દિવસનો હેતુ મીડિયાના અધિકારો અને ફરજોને સંતુલિત કરવાનો છે.
- Advertisement -
આજે વેરાવળ ખાતે જિલ્લાના પત્રકારો માટે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મચારીઓનું હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારોએ કેમ્પનો લાભ મેળવ્યો. આ કેમ્પમાં મીડિયા કર્મચારીઓએ લોહીની ટકાવારી અને બ્લડ ગૃપ, લીવર ફંક્શનમાં એસ.જી.પી.ટી, આલ્કલાઈન ફોસ્ફેટ, એસ.જી.ઓ.ટી તેમજ લિપિડ પ્રોફાઈલમાં કોલેસ્ટ્રોલ, એચ.ડી.એલ, એલ.ડી.એલ તેમજ કિડની ફંક્શનના ટેસ્ટ, સાંધાના દુ:ખાવા માટે યુરિક એસિડ, હાડકા માટે કેલ્શિયમ, થાઈરોઈડ માટે હોર્મોનલ ટેસ્ટ, વિટામીન-ડી તેમજ બી12 તેમજ ડાયાબિટીસના એફ.બી.એસ ટેસ્ટ, પ્રોસ્ટેટ, ઈ.સી.જી અને એક્સ-રે ચેસ્ટ કરવામાં આવ્યાં હતાં.