પ્રજાસત્તાક દિને પરેડમાં કદમતાલ મિલાવવા માટે પોલીસ જવાનોમાં ઉત્સાહ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 75માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીનું પી.ટી.સી. ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. કલેકટર અનિલકુમાર રાણાવસિયા, પોલીસ મહાનિરીક્ષણ નિલેશ જાજડિયા, કમિશનર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના અધિકારીઓએ આ અંતિમ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું.
આ રિહર્સલમા પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી. સાથે જ રોમાંચ પેદા કરનાર અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો અને 4 પ્રોફેશનલ ગ્રુપ સાથેનો 13 કલા જૂથો સાથોની કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ કરાયું હતું. આ રિહર્સલમાં પોલીસ સહિતના જવાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે તે રીતે જુસ્સાભેર પરેડ કરી હતી અને 26મી જાન્યુઆરીએ થનાર પરેડમાં કદમતાલ મિલાવવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે કલ્ચરલ મેગા ઈવેન્ટમાં પ્રોફેશનલ કલાકારો સાથે વિદ્યાર્થીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. 26મી જાન્યુઆરીએ ધ્વજ વંદનનો સમગ્ર કાર્યક્રમ ગરીમામય અને સુચારુ રીતે યોજાય માટે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. સાથે જ મંચ પરની બેઠક વ્યવસ્થા, આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી સહિતની પ્રોટોકોલ અનુસારની વ્યવસ્થા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. કલેકટરશ્રીએ નકશાના માધ્યમથી પણ સમગ્ર વ્યવસ્થાઓ જાણી – સમજી હતી.