ઉનાળામાં પાણી વિતરણની વ્યવસ્થા, બેકાબૂ મચ્છરજન્ય રોગચાળો; સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રશ્ર્નને સમાવવાની દરખાસ્ત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાપાલિકાનું 7 માર્ચે જનરલ બોર્ડ મળવાનું છે. લોકસભા ચૂંટણી પૂર્વેનું આ અંતિમ જનરલ બોર્ડ છે. જેમાં કોંગ્રેસના કોર્પોરેટરનો પ્રશ્ર્ન મોખરે છે. ઉનાળામાં પાણી વિતરણની વ્યવસ્થા અને બેકાબૂ મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર શું કરી રહ્યુ છે તેવો સવાલ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ભાનુબેન દ્વારા મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સહિતના પ્રશ્ર્નો છે તો 196 આવાસમાં ઝૂંપડપટ્ટીના લોકોને સમાવવાની દરખાસ્ત છે. જોકે, હાઇકોર્ટના આદેશથી પુન: કોર્પોરેટર પદે યોગ્ય ઠેરવાયેલા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઈએ જનરલ બોર્ડ માટે પ્રશ્ર્નો તો મૂક્યા છે. પરંતુ તેમનો સમાવેશ બોર્ડના એજન્ડામાં થયો નથી કારણકે બંનેને જનરલ બોર્ડમાં હાજર રાખવા કે નહીં તે સવાલ છે.
રાજકોટ મહાપાલિકાની દ્વિમાસિક સાધારણ સભા આગામી તા. 7 માર્ચના ગુરૂવારે સવારે 11 વાગ્યે બોલાવવા મેયર નયનાબેન પેઢડીયાએ સુચના આપતા આજે સેક્રેટરી હરીશ રૂપારેલીયાએ બોર્ડનો એજન્ડા પ્રસિધ્ધ કર્યો છે. સવારે સભ્યોને પ્રશ્ર્નો રજૂ કરવા તક અપાતા લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વેના અંતિમ બોર્ડમાં પહેલો પ્રશ્ર્ન કોંગ્રેસનો આવી ગયો છે. એટલે કે આ બોર્ડમાં કોંગ્રેસના પ્રશ્ર્નથી ચર્ચા શરૂ થશે. ભાજપના કોર્પોરેટરો અને કોંગ્રેસના કોર્પોરેટરોએ પ્રશ્ર્નો રજૂ કરતા પરંપરા મુજબ ચિઠ્ઠી ખેંચીને ક્રમ નકકી કરવામાં આવ્યો હતો. તેમાં પ્રથમ ક્રમ વોર્ડ નં.15 ના કોર્પોરેટર અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનો નીકળ્યો હતો. તેઓએ ત્રણ પ્રશ્ર્ન રજૂ કર્યા છે. ઉનાળામાં પાણી વિતરણની વ્યવસ્થા અને અત્યારથી કરવામાં આવનાર આયોજન, પાણીકાપ નહીં મૂકવા, જળાશયોની સ્થિતિ, કાપ આપવો ન પડે તે માટેની વ્યવસ્થા, માથાદીઠ પાણીની જરૂરીયાત પૂરી કરવા તંત્ર શું કરશે તેવું પૂછયું છે. આ ઉપરાંત હાલ ઘરે ઘરે ફેલાયેલા મચ્છરજન્ય, પાણીજન્ય બેકાબુ બનેલા રોગચાળાને કાબુમાં લેવા તંત્ર શું કરે છે, પ્રિ-મોન્સુન કામગીરીનું શું આયોજન છે તેની વિગતો પૂછી છે.
બોર્ડમાં કોંગ્રેસના 2 અને ભાજપના 16 કોર્પોરેટરોએ કુલ 32 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. તેમાં 37 પ્રશ્ર્ન ભાજપના કોર્પોરેટરોના છે. આ બાદ કેતન ઠુંમર, સંજયસિંહ રાણા, સોનલબેન સેલારા, કંકુબેન ઉધરેજાના ક્રમ વાઇઝ પ્રશ્ર્નો છે. કેતન પટેલે ટીપીના ભાડે અપાતા પ્લોટ, હોર્ડિંગ બોર્ડની સંખ્યા, ખાનગી મિલ્કતો પર બોર્ડની સંખ્યા, ડિવાઇડરો પરના બોર્ડની મંજૂરી અને આવકનો હિસાબ માંગ્યો છે ઉપરાંત રોશની વિભાગના કોન્ટ્રાકટ, ફરિયાદોની વિગતો પૂછી છે. આ સિવાય ભાજપના સભ્યો દ્વારા છેલ્લા 2 વર્ષમાં સ્વિમિંગ પુલમાં નોંધાયેલા સભ્યો, તેમણે મેળવેલી સિધ્ધિ, સ્માર્ટ સિટીમાં કાર્યરત પ્રોજેકટ, આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાકટથી ચાલતા વાહનો, કોમ્યુનિટી હોલની એક વર્ષની આવક, ઇ-ગવર્નન્સ સેવા, એસએમએસ એલર્ટની 6 માસની કામગીરીની વિગતો પૂછવામાં આવી છે.
- Advertisement -
બોર્ડના એજન્ડામાં8 દરખાસ્ત
આ ઉપરાંત શહેરમાં હરતી ફરતી લાયબ્રેરી, તેના રૂટ, કેટલા પુસ્તકો રાખવામાં આવ્યા છે તે સહિતના પ્રશ્નો પૂછયા છે. આગામી મહિને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા આવી જેથી ચૂંટણી પહેલાનું આ અંતિમ બોર્ડ છે. તેમાં પ્રથમ પ્રશ્ને ચર્ચા કરવાનો મોકો કોંગ્રેસને મળ્યો છે. મનપાના આગામી તા. 7 માર્ચના રોજ મળનારા જનરલ બોર્ડ માટે હાઇકોર્ટે કોંગ્રેસના કોર્પોરેટર પદે પુન: યોગ્ય ઠેરવેલા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇના પ્રશ્ન મુકવામાં આવ્યા હતા. પરંતુ તેમના પદના હાલના સ્ટેટસ અંગે વહીવટી કે શાસક પાંખ સ્પષ્ટ ન હોય તેમના નામ અને પ્રશ્ર્નોની યાદી સેક્રેટરી લઇ શકયા નથી. તેઓએ આજી રીવરફ્રન્ટ યોજના, તેની પ્રગતિ અંગેનો પ્રશ્ર્ન મૂકયો છે તો કોમલબેન ભારાઇએ સ્વચ્છતામાં રાજકોટનો નંબર, ન્યુસન્સ પોઇન્ટનો પ્રશ્ન મૂકયો છે. મનપાના આગામી જનરલ બોર્ડના એજન્ડામાં કુલ 8 દરખાસ્ત છે. કામદારોની માંગણી મુજબ કોર્પોરેશનમાં સફાઇ કામદારોના મંજુર સેટઅપમાં ખાલી રહેલી 550 જેટલી જગ્યા પૈકી જરૂર મુજબની જગ્યા ભરવાની દરખાસ્ત આવી જતા આચારસંહિતા પહેલા તે મંજૂર કરી દેવામાં આવશે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત વોર્ડ નં. 3માં બસ સ્ટોપ દુર કરવા, કોર્પોરેશન કચેરીના ગેઇટ નં. 2 બહારનો પડતર ફુવારો દુર કરવા, 196 આવાસમાં સાગરનગર અને બેટ દ્વારકા સ્લમ વિસ્તારના લાભાર્થીઓને સમાવવા સહિતની દરખાસ્તો પર નિર્ણય થશે.