ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
શ્રી કૃષ્ણની નગરી એવા દ્વારીકામાં જન્માષ્ટમી પર્વે માનવ મહેરામણ ઉમટી પડે છે. બીજી તરફ સાતમ-આઠમના મેળાને લઈને પણ લોકો સૌરાષ્ટ્ર તરફ વેકેશન ગાળવા આવે છે. ત્યારે રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને લઈ જન્માષ્ટમી ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. શ્રાવણ માસ શરૂ થતા જ સૌરાષ્ટ્રમા મેળાની મૌસમ જામે છે. જેમાં રાજકોટ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં જન્માષ્ટમી પર્વે ભરાતા લોકમેળા પ્રખ્યાત છે. ગુજરાતભરમાંથી મેળાના માણીગરો સૌરાષ્ટ્રમાં મેળો કરવા આવે છે. બીજી તરફ દ્વારીકામાં પણ કૃષ્ણ જન્મોત્સવ પર્વે ભકતોની ભારે ભીડ રહે છે.
- Advertisement -
ત્યારે મુસાફરોની સુવીધા માટે રેલવે દ્વારા સાતમ-આઠમના તહેવારો પર જન્માષ્ટમી સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નીર્ણય કરાયો છે.આ સ્પેશ્યલ ટ્રેન તા. 25 ઓગસ્ટને રવીવારે અમદાવાદથી સવારે 7-45 કલાકે ઉપડી તે જ દિવસે સાંજે પ-00 કલાકે ઓખા પહોંચશે. જયારે ઓખાથી અમદાવાદ જતી ટ્રેન તા. 26 ઓગસ્ટને સોમવારે સવારે 5-30 કલાકે ઓખાથી ઉપડી બપોરે 3-00 કલાકે અમદાવાદ પહોંચશે. બન્ને તરફ આ ટ્રેન ચાંદલોડીયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશને થોભશે. ટ્રેનમાં સ્લીપર કોચ અને જનરલ શ્રોણીના કોચ રહેશે. ટ્રેનમાં બુકીંગની શરૂઆત આજે તા. 31મી જુલાઈથી થનાર છે.