લાઈનો લીકેજના લીધે ગંદુ પાણી નવી લાઈનમાં ભળતું હોવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
લખતર શહેરમાં નવા નાંખવામાં આવેલા નળમાં અમુક વિસ્તારમાં ખરાબ અને વાસવાળું પાણી આવતું હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. તો આવા પાણીને કારણે આગામી સમયમાં શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરવાની આશંકા સેવાઈ રહી છે.
શહેરમાં ઠેર ઠેર લાઈનમાં લીકેજ યોગ્ય રિપેર નહીં થતાં અન્ય ગંદુ પાણી લાઈનમાં ભળતું હોવાના લીધે આવું બનતું હોવાની રાવ રહીશો દ્વારા કરવામાં આવી રહી છે.
લખતર શહેરમાં ઘરે ઘરે નળમાં પાણી પહોંચાડવા માટે લગભગ એકાદ કરોડથી વધુના ખર્ચે પાણીની લાઈનો નાંખવામાં આવી છે.
પરંતુ આ લાઈન નાંખવાની શરૂઆતના થોડા દિવસોથી જ કામગીરી નબળી હોવાની અનેક રજૂઆતો થઈ છે. તો યોગ્ય માપ મુજબ પાઇપ લાઈન નાંખવામાં ન આવી હોવાની રજૂઆતો પણ રાજ્યકક્ષા સુધી થઈ છે.
ઓછી કામગીરી કરી પૂરા રૂપિયાના બિલ મંજૂર થઈ ગયાના પુરાવા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે હવે આ નવી લાઈનમાં પાણી આપવામાં આવી રહ્યું છે.
પરંતુ શહેરમાં અનેક જગ્યાએ લાઈન લીકેજના પ્રશ્નો તો ઊભા જ છે. તેવામાં શહેરનાં ખાળીયા વિસ્તારથી જૂની ક્ધયા શાળાવાળા રોડ પર નળમાં પાણી આપવામાં આવ્યું હતું.
આ પાણી અતિ ખરાબ કચરાવાળુ અને તીવ્ર વાસવાળુ પાણી આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આટલું જ નહીં, પરંતુ ખરાબ અને તીવ્ર વાસવાળુ પાણી હોવાથી લોકોમાં પોતાના આરોગ્યને લઇને ચિંતા ઊભી થઈ હતી. આવા પાણીથી પાણીજન્ય રોગો પણ નોંધાવાની સંભાવના રહેલી છે. ત્યારે આ ખરાબ પાણી નળમાં ન આવે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. તો બીજી તરફ આરોગ્ય તંત્ર પણ પાણીનાં સેમ્પલ લઈને કાર્યવાહી કરે તેવી પણ માંગ ઊઠી છે.