ભીચરી ગામે વાડીએ પુત્રવધૂને કામ કરવા લઈ જવા
મુદ્દે થયેલી બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો’તો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની ભાગોળે આવેલા અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધુને કામ કરવા લઈ જવા મુદ્દે થયેલી બોલાચાલીમાં પિતાએ સગા દિકરાની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાના ત્રણ વર્ષ પહેલાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી પિતા રાજુભાઈ ધનાભાઈ ભોજવીયાને આજીવન કેદની સજા ફટકારી છે.
18/ 04/ 2022ના રોજ અમરગઢ ભીચરીના ભોજવિયા પરિવારના પુત્રવધૂ ભારતીબેન અજીતભાઈ ભોજવીયાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં તેણીના પતિ અજીતભાઈ રાજુભાઈ ભોજવીયાની હત્યા સંબંધે તેના સસરા રાજુભાઈ ધનાભાઈ ભોજવીયા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી હતી અને જણાવ્યુ હતુ કે, મારા ગુજરનાર પતિ અજીતભાઈ, ચાર બાળકો, આરોપી રાજુભાઈ ધનાભાઈ ભોજવીયા તથા સાસુ જીણીબેન વગેરે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય, તેણીના પતિ અજીતભાઈ અને સસરા (આરોપી) વચ્ચે નાની-નાની વાતમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા.
આ દરમિયાન તેણીના પતિએ દિનેશભાઈની ખેતીની જમીન ભાગે વાવવા રાખી હતી, ત્યાં વાડીએ પાણી વાળવા પત્ની ભારતીને લઈ જવા બાબતે પતિ, સસરા, સાસુ વચ્ચે બોલાચાલી થઈ હતી, તેમાં પિતા પુત્ર વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી અને તેમાં ઉશ્કેરાઈને ફૂમમાં ફીજ ઉપર પડેલી છરી લઈને પુત્ર ઉપર હુમલો કર્યો હતો, તેમાં પુત્રવધુ ભારતીબેન સાસુ, બાજુવાળા દિપાભાઈ વિરડા વગેરેએ છોડાવવા પ્રયત્ન કર્યા હતા પરંતુ અજીતભાઈને છાતીમાં છરીના ઘા જીંકી દેતા લોહી લુહાણ હાલતમાં ગામના સરપંચ વિગેરેની હાજરીમાં અજીતભાઈને બેશુદ્ધ હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડોકટરે તેઓને તપાસતા તેઓ મૃત હોવાનું જાહેર કર્યુ હતુ. આ ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશને રાજુભાઈ ભોજવિયા વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 302, 323 તથા જી.પી.આઇ. એકટની કલમ-135 મુજબ ગુનો નોંધી તેજ દિવસે ધોરણસર અટક કરી હતી. જે અંગે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ ચાર્જશીટ મુકાઈ જતા સેશન્સ કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવ્યો હતો. જેની બંને પક્ષો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. બાદ પ્રોસિક્યુશન તરફે સરકારી વકીલ પરાગ એન. શાહે હાજર થઈ મેડીકલ પુરાવો, એફ.એસ.એલ. પુરાવો સહિત કુલ 39 દસ્તાવેજી પુરાવા અને 20 સાહેદોને તપાસ્યા હતા. ફરીયાદી આરોપીની પુત્રવધૂ છે, તે જ બનાવની નજરે જોનાર અને ઈજા પામનાર સાક્ષી છે. સાહેદ જુબાનીમાં હોસ્ટાઈલ જાહેર થયા છે. આરોપીએ તેના દિકરાનું ખૂન કર્યું છે. જે તપાસનીશ અધિકારીની જુબાનીમાં પુરવાર થયુ છે. તેથી આરોપીને સજા થવી જોઈએ એવી દલીલ કરવામાં આવી હતી. તેમજ સરકાર તરફે રજુ કરવામાં આવેલા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી રાજુ ધના ભોજવીયાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કામે સરકાર તરફે સરકારી વિકલ પરાગ એન. શાહ રોકાયા હતા.