નરેન્દ્ર વાઘેલા
આજે લેખની શરૂઆતમાં કેટલીક કલ્પના કરીએ.
- Advertisement -
દ્રશ્ય એક: ધારો કે તમે પોતાના માટે કપડા ખરીદવા ગયા છો. તમે કપડાં ખરીદી લીધા. બીલ બનાવતી વખતે વેપારી તમને તમારા કપડાની સાથે અમુક તમુક જાતના અન્ય કપડા પણ ફરજીયાત પકડાવે છે.
દ્રશ્ય બીજું: ધારો કે તમે કોઈ હોટેલમાં બપોરે જમવા માટે ગયા છો. જમી રહ્યા પછી ત્યાંનો મેનેજર તમને બીલ આપે છે, જેમાં તમને સાંજ માટેનું ભોજન પેકિંગ કરીને પરાણે વેંચે છે.
દ્રશ્ય ત્રીજું: એક રમૂજી કલ્પના પણ જોઈએ. ધારો કે તમે તમારા મિત્ર માટે તેની સાથે ક્ધયા જોવા ગયા છો. તમારા મિત્ર અને ક્ધયાએ પરસ્પર પસંદગી કરી લીધી. સંબંધ નક્કી થયા પછી તમારા મિત્રના થનાર સસરા એક શરત મૂકે છે કે તે પોતાની દીકરીના લગ્ન તો જ કરશે જો તમે તેની બીજી દીકરીને સાથે લઇ જવા તૈયાર હો. કેમ થયુંને આશ્ચર્ય !
હાલમાં આપણા ખેડૂતો સાથે પણ કઇક આવું જ થઇ રહ્યું છે. શું અને કેવી રીતે થઇ રહ્યું છે તે જાણીએ. મુસીબત એ ખેડૂતોની સાથે સતત ચાલતી અને ખેડૂતો દ્વારા સ્વીકારી લેવામાં આવેલ પરિસ્થિતિ છે. દુકાળ, અતિવૃષ્ટિ, રેલ જેવી કુદરતી આફતોની સાથોસાથ વિવિધ રોગો અને મુંડા, ગુલાબી ઈયળ, તીડ વગેરે જીવાતના હુમલાઓ જેવી જૈવિક આફતોથી ઝઝુમતા ખેડૂતો એ હવેથી એક નવીન પ્રકારની મુસીબત એટલે કે વાણિજ્યિક આફતનો સામનો કરવો પડી રહ્યો છે. જી..હાં.. વાણિજ્યિક એટલે કે વેપાર સંબંધિત આફત. ના..ના… અહી ખેડૂતોને તેમની ખેતપેદાશના પુરતા ભાવ ન મળવાની વાત નથી. આ વાત છે ખેડૂતોએ ફરજીયાતપણે કે પરાણે ખરીદવી પડતી વિવિધ સામગ્રીની. આજે પશુપાલનથી દૂર થયેલ ખેડૂતોએ પોતાના પાકની પોષણ સંબંધિત જરૂરિયાતો માટે એગ્રો સેન્ટરો ખાતે વેચાતા વિવિધ કંપનીઓના ખાતરો અને અન્ય ઉત્પાદનો પર મદાર રાખવો પડે છે. આજે ડી.એ.પી. અને યુરિયા જેવા ઉત્પાદનો ખેડૂતોની અનિવાર્ય આવશ્યકતા બની ગયા છે. આ ડી.એ.પી. અને યુરિયા વગર કોઈ પાક લઇ જ ન શકાય તેવું વલણ ખેડૂતોમાં જોવા મળી રહ્યું છે. બસ ખેડૂતોની આ જ માનસિકતાનો લાભ મોટી-મોટી સરકારી, સહકારી કે ખાનગી ખાતર કંપનીઓ ઉઠાવી રહી છે.આ કંપનીઓએ તેમના મસમોટા ખાતર પ્લાન્ટને નિભાવવા માટે તેને રાત-દિવસ સતત ચલાવતા રહેવું પડે છે. તેમજ તેમાં મુખ્ય ખાતરોની સાથે જ વધારે નફો રળી આપતા કેટલાક ખેતી માટે અતિ જરૂરી નહિ તેવા કૃષિ ઉત્પાદનો બનાવવામાં આવે છે.
- Advertisement -
હવે આ મોટી-મોટી કંપનીઓ સામ-દામ વગેરે નીતિઓ અપનાવીને આવા વધારાના ઉત્પાદનોને વેચાણ અર્થે પોતાના કાયમી વેપારીઓ પાસે મોકલી આપે છે. જોકે શરૂઆતમાં અમુક વેપારીઓએ આ પરાણે પ્રીતિનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ છેવટે વેચાણ માટે જરૂરી ખાતરો મેળવવાની તેઓની પરવશતાનો ફાયદો આ કંપનીઓ ઉઠાવે છે.આ કંપનીઓ પોતાના એન.પી.કે., ડી.એ.પી., યુરીયા વગેરે ઉત્પાદનોનો ઓર્ડર નોંધાવનાર વેપારીઓને ફરજીયાતપણે પોતાના અન્ય ઉત્પાદનો પણ લટકણીયાની પેઠે વળગાડે છે. વેપારીઓએ પણ કંપની સાથેના સંબંધો જળવાઈ રહે તેમજ કંપનીઓ દ્વારા મળતા વિવિધ લાભો બંધ ન થાય તે માટે આવા ઉત્પાદનો મને-કમને સ્વીકારી લેવા પડે છે. કંપની પાસેથી વધારાના ઉત્પાદનો ન લેનાર કેટલાક વેપારીઓને ‘સીઝન’ સમયે મુખ્ય ખાતરોનો જથ્થો પૂરો પાડવામાં કિન્નાખોરી થતી હોવાનું પણ અમુક કિસ્સાઓમાં જાણવા મળ્યું છે. આ ‘દત્તક’ ઉત્પાદનો અંગે કંપનીઓ દ્વારા કહેવામાં આવે છે કે, ઘણા વર્ષોથી એક જ પ્રકારના ખાતરો નાંખવાથી બગડેલ જમીનને સુધારવા માટે હવે આ ઉત્પાદનોની ખાસ જરૂર છે. આપણે સૌ પણ જાણીએ છીએ કે આજે ખેતીની જમીનનું પોત કેટલી હદે બગડી ચુક્યું છે તથા તેને સુધારવાની તાતી જરૂર પણ છે. છતાંપણ આ કથિત જમીન સુધારક લટકણીયાઓને વેપારીઓ અને છેવટે ખેડૂતો ઉપર આમ લાદવાને બદલે કંપનીઓએ તેની ઉપયોગીતા અને આવશ્યકતા વિષે જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવા જોઈએ. ખાતરના કેટલાક જુના વેપારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ખાસ કરીને યુરીયા ઉત્પાદક કંપનીઓ મોટેભાગે આવી નીતિ અપનાવે છે.
એક વેપારીએ તો નામ ન આપવાની શરતે કટાક્ષમાં કહ્યું હતું કે આ કંપનીઓ જમીન સુધારણાના નામે નવા અને મોંઘા ઉત્પાદનો બનાવે તેનો વાંધો નહિ, પણ જમીનને બગાડતા તેના પોતાના જ અન્ય ઉત્પાદનો બનાવવા પર રોક-અંકુશ તો લગાવી શકે કે નહિ ? અમુક વડીલ ખેડૂતોએ પણ આ મામલે ચૂંટી ખણતા કહ્યું હતું કે આ તો ગુટખાની સાથે કેન્સરની દવા વેચવા નીકળવા જેવી વાત છે. વેપારીઓ અને કંપનીઓ વચ્ચેના આ ગજગ્રાહ કે વાણિજ્યિક આફતોનો છેલ્લો ભોગ તો ખેડૂત જ બને છે. સામાન્ય રીતે ખેડૂતો પોતાના ગામ કે નજીકના મથકે આવેલ વેચાણ કેન્દ્રો પરથી પોતાની જરૂરીયાત મુજબ ખાતરો કે અન્ય ખેતસામગ્રી ખરીદ કરતા હોય છે. મોટેભાગે આ વેચાણ કેન્દ્રો સાથે ખેડૂતોનો ઉધાર ખરીદીનો વહેવાર ચાલતો હોય છે. આથી વેપારીની શરમે-ધરમે કે સમજાવટ (!) થી ખેતી ખર્ચ વધતો હોવા છતાંપણ ખેડૂતોએ ઉપર જણાવ્યા મુજબના લટકણીયા ઉત્પાદનો ફરજીયાતપણે ખરીદવા જ પડે છે. ખેડૂતોના એક વર્ગ દ્વારા આવા લટકણીયા ઉત્પાદનોને અમુક નામો પણ અપાયા છે. તેમાંથી કેટલાક તો રમૂજપ્રેરક પણ હોય છે. જેમકે કેટલાક ખેડૂતો તેને ‘મામા સાથે ભાણીયા’ કહે છે. તો કેટલાક તેનાથી આગળ વધીને આવા લટકણીયા ઉત્પાદનોને ‘આંગળીયાત’ નામ પણ આપી ચુક્યા છે. ઉપરાંત, આવા વધારાના ખરીદવા પડતા ઉત્પાદનોના લગવાં, ગલુડિયાં, પુંછડા, દક્ષિણા, જકાત, અણવર, જાનૈયા કે ધામેણા જેવા ઉપનામો પણ પાડવામાં આવ્યા છે. છેવટે સો વાતની એક વાત એ કે ખેડૂતોએ વગર જરૂરિયાતના ઉત્પાદનો ખરીદીને ખેતીખર્ચ વધારવો પડે છે, અને તે જ આજની વાસ્તવિકતા છે.