શિયાળુ વાવેતર માટે ખાતર લેવા ખેડૂતોની બિલખામાં કતારો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં એક મહિનાથી વધુ સમય થયો હોવા છતા ડીએપી ખાતરનો પુરતો જથ્થો ફાળવવામાં ન આવતા શિયાળુ વાવેતર માટે કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે. ખાતર વગર વાવેતર કરવુ મુશ્કેલ હોવાનું ધરતીપુત્રો જણાવી રહ્યા છે. ત્યારે બીલખામાં ખાતર આવ્યાની જાણ થતા વિતર કેન્દ્ર ખાતે ભૂમિપૂત્રોની કતાર લાગી ગઇ હતી.
- Advertisement -
અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકશાન થયુ છે અને ખેડૂતો કુદરતી આફતના મારથી હજુ સુધી બહાર આવી શકયા નથી. સરકારદ્વારા સર્વેની વિલંબ નિતિમાં ઘણા ખેડૂતો હજુ પણ સહાય અને વળતરથી વંચિત છે. ચોમાસાની સિઝન તો મોટાભાગે નિષ્ફળ જ રહી છે. તેમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ડીએપી સહિતના ખાતર બજાર ન મળતા ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે. બીલખા પંથક સહિત જૂનાગઢ જિલ્લામાં હાલ શિયાળુ પાકના વાવેતરની સિઝન પુરજોશમાં ચાલી રહી છે. શિયાળુ વાવેતરમાં સૌથી પહેલા ડીએપી ખાતરની ખાસ જરૂરિયાત રહે છે. સરકાર દ્વારા જિલ્લામાં ડીએપીનો પૂરતો જથ્થો સમયસર ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોને ખરા સમયે સરકાર ખાતરની પણ વ્યવસ્થા યોગ્ય રીતે કરાવી શકતી ન હોય તો આનાથી મોટી કમનસીબી બીજી કંઇ હોઇ શકે ? તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.