કાલાવડ પંથકના વ્યાજખોર સામે જામકંડોરણા પોલીસમાં નોંધાતો ગુનો
જેસીબી રીપેર કરાવવા પૈસા વ્યાજે લીધા હતા તે જ જેસીબી પડાવી લેવાની ધમકી આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કાલાવડ પંતહકના વ્યાજખોરે મેઘાવડ ગામના ખેડૂતને 10 ટકા વ્યાજે 1.50 લાખ આપી વ્યાજ સહિત 2.25 લાખ પડાવ્યાં છતાં વધું રૂ.1.30 લાખની પઠાણી ઉઘરાણી કરી જેસીબી પડાવી લેવાની ધમકી આપતાં જામકંડોરણા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
જામકંડોરણાના મેઘાવડ ગામે રહેતાં નીલેશભાઈ ભીખાભાઈ રાંક ઉ.45એ કાલાવડના ભાવાભી ગામના ગોપીભા દરબાર અને બે અજાણ્યાં શખ્સો સામે જામકંડોરણા પોલીસમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેઘાવડ ગામે ખેતીની જમીનમાં ખેતીકામ કરે છે એક જેસીબી છે. 14 માસ પહેલા તેઓનું જેસીબી બગડી ગયેલ હોય જે રીપેરીંગ કરાવવા માટે મોડીદર ગામના તેમના મિત્ર લખનભાઇને વાત કરતા તેમણે ગોપીભા દરબાર સાથે મુલાકાત કરાવેલ હતી ગોપીભા દરબારે રૂ.1.50 લાખ માસીક 10 ટકાના વ્યાજે આપેલ અને તેમાથી રૂ.15 હજાર માસીક વ્યાજના કપાત કરી લીધેલ હતાં. તે મહીને તેમને રોકડા રૂ. 10 હજાર વ્યાજના ચુકવી આપેલા અને સાતેક માસના સમય બાદ તેની પુરે પુરી રકમ રૂ.1.50 લાખ મીત્ર લખનભાઈ કોળીની હાજરીમા ગોપીભા દરબારની ખરેડી ગામે આવેલ ઓફીસે ચુકવી આપેલા હતા ત્યારબાદ ગોપીભાઈ દરબાર અવાર નવાર ફોન કરી ધમકી આપી વધુ વ્યાજની ઉઘરાણી કરવાનુ ચાલુ રાખેલ હતું.
જેથી આરોપી ગોપીભાના માણસના એકાઉન્ટમાં અલગ અલગ તારીખે રૂ.50 હજાર ઓનલાઈન અને રોકડ રૂ.25 હજાર ચૂકવેલ હતાં. તેમજ તેમની મુળ રકમ પણ ચુકવી આપેલ છે.
તેમ છતા વ્યાજખોર ગોપી દરબાર અવાર નવાર ફોન કરી ધાક ધમીક આપી ગાળો બોલી વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરે છે બાદ ગઇ તા.17 ના રોજ બપોરના ત્રણેક વાગ્યે તેઓ મેઘાવડ ગામે વાડીએ કામ કરતાં હતાં ત્યારે ગોપીભા તેમના બે માણસ લઇ ખેતર પાસે રોડ ઉપર આવેલ અને ગાળો બોલી હજી પુરેપુરૂ વ્યાજ કેમ આપતા નથી તેમ કહી કહેલ કે, પૈસા નહી આપે તો તારૂ જેસીબી લઇ જશુ જેથી તેને આજીજી કરતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી કહેલ કે, હજી રૂ.1.30 લાખ વ્યાજના ચુકવી આપજે નહીંતર તને પતાવી દઇશ તેમ ધમકી આપી જતા રહેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જામકંડોરણા પોલીસે ગુનો નોંધી વ્યાજખોર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.



