પ્રાકૃતિક ખેતીથી જમીન વધુ ફળદ્રુપ બની અને પાકની ગુણવત્તા સુધરી
મિશ્ર પાકોના વાવેતર થકી સારી એવી આવક મળતી થઇ છે : ખેડૂત રમેશભાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
તાલાલા તાલુકાના જશાધાર ગામના ખેડૂત રમેશભાઇ હરિભાઇ હરણિયાએ પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આંબા સાથેના વિવિધ પાકોનું મિશ્ર પાકોનું વાવેતર કરી સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યાં છે. રમેશભાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી તેમની જમીનમાં સુધારો થયો છે, પાકની ગુણવતા સુધરી છે, માટી મુલાયમ બની અને જમીનમાં અળસિયા વધવાથી પાક ઉત્પાદનમાં વધારો થયો છે.
સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી શિબિરમાં માસ્ટર ટ્રેનરની તાલીમ લીધા પછી રમેશભાઈએ 100% પ્રાકૃતિક કૃષિમાં ઝંપલાવ્યું હતું. તેઓ પ્રાકૃતિક ખેતીમાં કેસર આંબા, સરગવા, પપૈયાં, મગફળી, તુવેર, જુવાર, ચણા, મકાઇ, શાકભાજી સહિતનું વાવેતર કરે છે. આ સાથે જ તેઓ સરગવા સીંગ અને પાનનો પાવડર બનાવીને વેચાણ કરે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવમૃત, ઘનજીવામૃત, આચ્છાદનના સતત ઉપયોગથી જમીન ભરભરી અને પોચી બને છે તદુપરાંત અળસિયા અને બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ વધે છે. આમ, પ્રાકૃતિક ખેતીના ઉપયોગ થકી રમેશભાઈની જમીન ફળદ્રુપ બનતા ઓછા ખર્ચે પાક ઉત્પાદન વધ્યું છે.
રમેશભાઈએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન ક્ષાર-યુક્ત અને એટલી બધી કઠણ બની જાય કે 45 હોર્સ પાવરનું ટ્રેકટર પણ ખેડવામાં ડિસ્કો કરવા લાગે છે. રાસાયણિક ખાતરથી બેક્ટેરિયા, અળસિયાનો નાશ થાય છે અને પિયત પણ વધારે જોઈએ છે. જેની સામે પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુધારો થયો, ટપક પધ્ધતિથી તેમજ આચ્છાદનથી જમીન પિયતની મુશ્કેલીનો ઉકેલ આવ્યો છે. આ રીતે પાકની ગુણવતામાં પણ સુધારો જોવા મળ્યો છે. જમીનમાં સેંદ્રિય કાર્બનનું પ્રમાણ વધવાથી માટી મુલાયમ બની છે અને જમીનમાં અળસિયા જોવા મળે છે. જેના કારણે રસાયણિક ખેતીમાં ઉત્પાદન મળતું હતું તેની સામે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી રહ્યું છે.