પાંચ મહિનાના વિલંબ બાદ અંતે ફરિયાદ નોંધાઈ, પોલીસની ભૂમિકા પર સવાલો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
મોરબી જિલ્લાના ઘુનડા ગામના એક ખેડૂત સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. વોટ્સએપ પર આવેલી e-KYC નામની APK ફાઇલ ખોલતાં જ તેમના ઇન્ડસઇન્ડ બેંક એકાઉન્ટમાંથી ₹12.50 લાખ ઉપાડી લેવાયા હતા. જોકે, આ બનાવ કરતાં પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ ખેડૂતને ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના પાંચ મહિના સુધી ચક્કર કાપવા પડ્યા હતા. આખરે સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી બદલાયા બાદ તેમની ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે પોલીસની અગાઉની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
- Advertisement -
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના ઘુનડા ગામે રહેતા અને ખેતી કરીને ગુજરાન ચલાવતા નીતિનભાઈ ઠાકરશીભાઈ કોટડિયા (ઉ.વ. 48) ઇન્ડસઇન્ડ બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવે છે. તેમણે આ ખાતામાં ફિક્સ ડિપોઝિટ પેટે ₹15 લાખ જમા કરાવ્યા હતા, જે એક વર્ષ માટે સીમિત હતી. પોતાના ઘરે હતા ત્યારે તેમના મોબાઇલમાં વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં ઇન્ડસઇન્ડ બેંક ય-ઊંઢઈ લખેલી એક અઙઊં ફાઇલ હતી. જેવી તેમણે આ ફાઇલ ખોલી, તેમના બેંક એકાઉન્ટમાં રહેલા ₹15 લાખની ફિક્સ ડિપોઝિટમાંથી ₹12.50 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા.
પોલીસની કામગીરી પર સવાલ
આ ચોંકાવનારી ઘટના બાદ નીતિનભાઈએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. તેમને અંદાજે ચારથી પાંચ મહિના સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા હતા. આખરે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અધિકારી બદલાયા અને નવા અધિકારી સારા આવતાં પાંચ મહિનાના લાંબા વિલંબ બાદ તેમની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાએ પોલીસની પ્રાથમિક ફરિયાદ નોંધવાની પ્રક્રિયા અને નાગરિકોને ન્યાય અપાવવામાં થતા વિલંબ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આટલા મહિના સુધી ફરિયાદ કેમ ન નોંધાઈ, અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનામાં તાત્કાલિક કાર્યવાહી શા માટે ન થઈ તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, ત્યારે હવે આરોપીઓ ક્યારે પકડાય છે અને નીતિનભાઈને તેમના પૈસા પાછા મળે છે કે નહીં તે જોવું રહ્યું.