નરેન્દ્ર વાઘેલા
(કૃષિ પત્રકાર-મો.:98245 82736)
આજના સમયમાં જયારે કોઈએ એક છોડ વાવ્યો હોય તો પણ અલગ-અલગ દસ એન્ગલથી ફોટો પાડીને સોશ્યલ મીડિયામાં વાયરલ થવાની લાલચ અને દંભ જોવા મળે છે, ત્યારે પદ્મશ્રી તુલસી ગૌડા જેવા મૂકસેવક અને ખરા અર્થમાં પર્યાવરણવાદી તેમજ પ્રકૃતિ પ્રેમીની પૃથ્વી પરથી વિદાય થાય તે ભારતીય પર્યાવરણ ક્ષેત્રે ખરેખર મોટું નુકશાન ગણવું રહ્યું.
જંગલનો જીવતો જ્ઞાનકોશ તેમજ આદિવાસીઓના વૃક્ષદેવી જેવા નામથી જાણીતા અને ખરા અર્થમાં પર્યાવરણવાદી કહી શકાય તેવા ‘પદ્મશ્રી તુલસી ગૌડા’નું ગત તા.16 ડીસેમ્બર 2024ના રોજ 86 વર્ષની જૈફ વયે અવસાન થયું. તેમની પાસે જંગલ અને ઔષધીય વનસ્પતિઓનું અમૂલ્ય જ્ઞાન હતું. પરંતુ કમનસીબે તેનું જોઈ એવું યોગ્ય દસ્તાવેજીકરણ થયું નથી. તેથી જ્યાં સુધી તેમનું કામ જાતે ના જોયું હોય ત્યાં સુધી તેમના અમૂલ્ય યોગદાનને સમજવું મુશ્કેલ છે. આવા મુકસેવકના કાર્યની તો ઠીક પરંતુ અવસાનની નોંધ પણ જાહેર મીડિયામાં ભાગ્યે જ જોવા મળી છે.
કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં આવેલ હોનાલ્લી ગામના હલાક્કી આદિવાસી પરિવારમાં ગરીબ માતા-પિતાના ઘેર વર્ષ 1937-38 માં જન્મેલ તુલસી ગૌડાની ફક્ત બે વર્ષની ઉંમરમાં પિતાનું અવસાન થતા કોઈપણ જાતના ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા. તેઓ બહુ સારી રીતે વાતચીત કરતા આવડતું નહિ. પરંતુ તેઓ કહેતા કે મને શાળાનું ભણતર નથી મળ્યું પણ આ પ્રકૃતિએ મને જંગલની ભાષા બોલતા અને સમજતા શીખડાવી છે.
તેમને લખતા-વાંચતા પણ આવડતું નહોતું. છતાં પણ તેઓમાં દરેક પ્રકારના વૃક્ષના માતૃ વૃક્ષને ઓળખવાની ક્ષમતા હતી. માટે જ તેઓને સમગ્ર દેશમાં “જંગલનો જીવતો જ્ઞાનકોશ” તરીકે ઓળખવામાં આવે છે. કોઇપણ છોડની પ્રજાતિઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, માતૃવૃક્ષમાંથી બીજ કાઢી એકત્ર કરવા, તેને ફરી વાવવા, ઉછેરવા તેમજ ભવિષ્ય ફરી ઉગાવવા માટે એ બીજને સાચવવા એ એક અત્યંત જટિલ તેમજ મુશ્કેલ પ્રક્રિયા હોય છે. તુલસી ગૌડા આ સમગ્ર પ્રક્રિયામાં એકદમ નિપુણ હતા. તેથી આદિવાસી લોકો તેમને વૃક્ષદેવી માને છે.
પર્યાવરણની જાળવણી માટે તુલસી ગૌડાએ 1,30,000 થી વધુ રોપાઓ-વૃક્ષો જાતે વાવ્યા અને ઉછેર્યા છે. તેમણે પોતાના ગામલોકોની બીમારીઓની સારવાર થઇ શકે એ માટે વિવિધ જંગલોમાં ફરીને 300 થી વધુ પ્રકારના ઔષધીય છોડને ઓળખી કાઢ્યા હતા તથા તેના બીજ એકત્ર કરીને વાવ્યા હતા.વૃક્ષો વાવવાની સાથોસાથ તેમણે લોકોમાં જંગલો અને તેની જૈવવિવિધતાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે. આ ઉપરાંત તેઓએ શિકારીઓને શિકાર કરતા અટકાવવા ઉપરાંત જંગલમાં લાગેલી આગથી વન્યજીવનનો નાશ થતો અટકાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે.
- Advertisement -
તુલસી ગૌડાના કાર્યોને બિરદાવવા માટે આપવામાં આવેલ એવોર્ડ્સ :
1986 – ઈન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર એવોર્ડ
1999 – કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર
2020 – પદ્મશ્રી પુરસ્કાર