ફર્ઝી ફિલ્મને પણ ટક્કર મારે એ રીતે બનાવતા હતા નકલી નોટો, દરોડામાં પોલીસે 40 લાખથી વધુની નોટો અને સાધનો સાથે બે આરોપી પકડ્યા
ખાસ-ખબર ન્યૂઝ બનાસકાંઠા
- Advertisement -
ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડીરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 40 લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે.
મળતી માહિતી મુજબ, એલસીબીને મહાદેવીયા ગામે ડુપ્લીકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે, ગત (3 સપ્ટેમ્બર) મોડીરાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસને ત્યાંથી ₹40 લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, ફર્ઝી ફિલ્મને પણ ટક્કર મારે એ રીતે આ લોકો નકલી નોટો બનાવી રહ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીને ઝડપી પાડ્યા છે, જેમણે પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું સ્વીકાર્યું છે. હાલમાં જપ્ત કરાયેલી નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે. એલસીબીની આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
આ મામલે વધુ વિગતો આપતાં જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર મામલાની સત્તાવાર માહિતી આપવામાં આવશે. પોલીસે આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.