રીપૂપાલ નામના રાજવીના તપથી મહાદેવ પ્રસન્ન થયા બાદ નાની દેરી બનાવી હતી
મોરબીના મહારાજા લખધીરજીએ જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિર બનાવ્યું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે શિવભક્તોએ શિવભક્તિની આહલેક જગાવી હતી જેમાં આજે અમાસ નિમિત્તે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પવિત્ર કુંડમાં ધાર્મિક અને શાસ્ત્રોક્ત પરંપરા મુજબ લોકોએ શ્રદ્ધાભેર પિતૃતર્પણ કર્યું હતું તેમજ અનેક શિવભક્તોએ આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે રફાળેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની આરાધના કરી પરિવાર સહિત સમગ્ર વિશ્વમાં લોકકલ્યાણની કામના કરી હતી. આ રફાળેશ્વર મહાદેવ મંદિરનો પૌરાણિક ઈતિહાસ પણ રસપ્રદ છે. મોરબીથી આશરે 10 કિમીના અંતરે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરનો પૌરાણિક ઈતિહાસ રસપ્રદ છે. એક લોકવાયકા પ્રમાણે આ ક્ષેત્રમાં પ્રથમ બ્રહ્માજીએ શ્રી રમાદેવીની કૃપા પ્રાપ્ત કરવા તપ કરેલું અને તેમના પર લક્ષ્મીજીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું ત્યારબાદ રંભ્ય નામના મુનિએ આજ ક્ષેત્રમાં મહાદેવજીનું તપ કરતા ‘રંભયેશ્વર’ નામથી મહાદેવજી પ્રસિદ્ધ થયા હતા ત્યારપછી રીપુપાલ નામના રાજકુમારે આ ક્ષેત્રમાં રંભય મુનિના આદેશથી મહાદેવનું તપ કરતા મહાદેવજી પ્રસન્ન થયા હતા અને તેમને આ જગ્યાએ વર્ષો પહેલા મહાદેવજીની નાની દેરી બનાવી હતી ત્યારથી આ પવિત્ર જગ્યા રિપુફાલેશ્વર નામથી ઓળખાતી હતી અને હજારો વર્ષોં બાદ ‘રિપુફાડેશ્વર’ શબ્દનું અપભ્રંશ થતાં આ જગ્યા હવે રફાળેશ્વર તરીકે જાણીતી બની છે.
મોરબીના તત્કાલીન મહારાજા લખધીરજીએ વર્ષ 1946 માં રૂ.1.10 લાખના ખર્ચે અહીં ભવ્ય મંદિર બંધાવ્યું હતું. આ જગ્યાનું પૌરાણિક મહત્વ પણ અનેરું છે. આ મંદિરમાં આવેલા પીપળાને પાણી રેડવાથી અને અહીં શ્રાદ્વ કરવાથી પિતૃઓને સદ્દગતિ પ્રાપ્ત થાય તેવી ધાર્મિક માન્યતા છે જેથી શ્રાવણ મહિનાના અમાસના દિવસે અહીં લોકમેળો ભરાવાની સાથે મંદિરની બાજુમાં વિશાળ કુંડમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી પિતૃતર્પણ કરે છે. શ્રાવણ મહિનાની અમાસે અહીં બે દિવસનો મેળો ભરાય છે અને શિવરાત્રીના દિવસે પણ મેળો ભરાય છે તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડી મહાદેવના દર્શન કરી ભાગનો પ્રસાદ ગ્રહણ કરે છે.