– રીઝર્વ બેન્ક દ્વારા સતત રીપોરેટમાં વધારો કરતા હાલ ધિરાણ દર સર્વોચ્ચ સ્તરે
– બજેટ બાદ મોંઘવારી-જીડીપી પર પણ સરકારનું વલણ સ્પષ્ટ થશે: જો કે વૈશ્વિક પરિબળો હજું અનિશ્ચિત
- Advertisement -
મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ગત સપ્તાહમાં રેપોરેટમાં 35 બેઝીક પોઈન્ટનો વધારો કરતા હવે ફરી એક વખત વ્યાજદરમાં વધારો થશે. એક તરફ આર્થિક રીકવરી અને વ્યાપારી ગતિવિધિ વધતા બેન્કો પાસે ધિરાણ માંગ વધી છે.
તે સમયે વ્યાજદરમાં વધારો થતા વર્તમાન લોન ધારકો અને નવી લોન લેનાર બન્નેને મુશ્કેલી વધી રહી છે પણ હવે આ ટ્રેન્ડ રીવર્સમાં જશે અને રીઝર્વ બેન્ક ફરી રેપોરેટ વધારશે નહી તેવા સંકેત છે.
રીઝર્વ બેન્કને વ્યાજદર વધારવા પાછળની સૌથી મોટી ચિંતા મોંઘવારી-ફુગાવો છે જે છેલ્લા એક વર્ષ કે તેની વધુ સમયથી ભારતના લોકોને પરેશાન કરે છે પણ નવેમ્બરથી ફુગાવો ખાસ કરીને રીટેલ ફુગાવાને દર ઘટવા લાગ્યો છે અને તે 5.88% નોંધાયો છે તથા આગામી વર્ષ માર્ચ સુધીમાં ફુગાવાનો દર 5% સુધી નીચો આવશે અને ત્યારબાદ મોંઘી લોનની પ્રક્રિયાને બ્રેક લાગશે.
- Advertisement -
જો કે હજુ વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતાના દૌરમાં છે. ક્રુડતેલની કિંમત ઉપરાંત વૈશ્વિક મંદીની જે આગાહી છે અને વિશ્વના અનેક દેશોમાં તેના પગરણ થઈ ગયા છે તે ભારતીય અર્થતંત્રને પણ અસર કરશે તો જીડીપી ગ્રોથ 6.9% થી 7% રહે તે પણ એક મોટી ઉપલબ્ધી ગણવામાં આવશે. હવે રીઝર્વ બેન્કની નવી દ્વીમાસીક ધિરાણનીતિ ફેબ્રુઆરીમાં જાહેર થશે તે સમયે કેન્દ્રીય બજેટ પણ રજૂ થઈ ગયું હશે અને સરકારનો મોંઘવારી-વિકાસદર વિ. પ્રત્યેનો અભિગમ પણ સ્પષ્ટ થઈ ગયો હશે.
માર્ચ 2023 બાદ મોંઘવારી જો 5% કે તેથી નીચે આવે તો રીઝર્વ બેન્કને પણ રાહત હશે. જો કે તેની સામે જો વૈશ્વિક પરિબળો નકારાત્મક હોય તો રીઝર્વ બેન્ક પાસે હજું 25 બેઝીક પોઈન્ટ વ્યાજદર વધારવાની જગ્યા છે અને તે સમયે કોઈ નિર્ણય લેશે.