રાજકોટથી સવારે 7 કલાકે ઉપડી 8:50 કલાકે જૂનાગઢ પહોંચશે: જૂનાગઢથી બપોરે 3:00 કલાકે ઉપડી 5:00 કલાકે રાજકોટ પરત ફરશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ – ગુજરાત સરકાર દ્વારા 09 એપ્રિલ, 2023 (રવિવાર)ના રોજ ‘જુનિયર ક્લાર્ક’ ની પરીક્ષા વિવિધ સ્થળોએ યોજશે. આ પરીક્ષાના અવસર પર, પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 09મી એપ્રિલ, 2023ના રોજ એક દિવસ માટે બે જોડી ‘પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રાજકોટ-જૂનાગઢ પરિક્ષા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 07.00 કલાકે ઉપડશે અને 08.50 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં જૂનાગઢ-રાજકોટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 15.00 કલાકે ઉપડી રાજકોટ 17.00 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર રોકાશે.
જૂનાગઢ-રાજકોટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 07.30 કલાકે ઉપડશે અને 10.00 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 14.55 કલાકે ઉપડશે અને જૂનાગઢ 17.15 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર રોકાશે.
- Advertisement -
250 એક્સ્ટ્રા બસ દોડાવાશે બુકિંગ કરાવવા જુ.ક્લાર્કના ઉમેદવારોનો બસપોર્ટમાં ધસારો, 100થી વધુ બસ ફૂલ
રાજકોટ સહિત રાજ્યભરમાં 9મીએ પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર છે. અનેક ઉમેદવારોને પોતાના બદલે અન્ય જિલ્લામાં કેન્દ્ર ફાળવાયું છે ત્યારે રાજકોટના મોટાભાગના ઉમેદવારોને અમદાવાદ, ગાંધીનગર, પાલિતાણા, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં પરીક્ષા આપવા જવાનું હોવાથી એસ.ટી બસમાં એડવાન્સ બુકિંગ કરાવવા ઉમેદવારોનો બસપોર્ટમાં ભારે ધસારો જોવા મળે છે. રાજ્યનું એસ.ટી નિગમ પણ ગુજરાતભરમાં 6500 જેટલી બસ અને રાજકોટ જિલ્લામાં 250 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવનાર છે.
ઉમેદવારોએ ભીડનો સામનો ન કરવો પડે અને સરળતાથી જે-તે જિલ્લામાં પરીક્ષા આપવા સરળતાથી પરીક્ષા આપવા પહોંચી શકે તે માટે બસપોર્ટ પર એડવાન્સ બુકિંગ કરાવવા પહોંચ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટથી ઉપડતી 100થી વધુ એસ.ટી બસ હાઉસફૂલ થઇ ગઈ છે.
રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા રાજકોટથી અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, પાલિતાણા, ભાવનગર સહિતના રૂટ ઉપર જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. પંચાયત બોર્ડે પણ એસ.ટી નિગમને ક્યા જિલ્લાના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ક્યાં જિલ્લામાં જવાનું છે તેનું લિસ્ટ પણ આપી દીધું હોવાથી નિગમ તે પ્રમાણે એક્સ્ટ્રા બસોનું આયોજન કરી રહ્યું છે. આ ઉપરાંત ઉમેદવારોને શનિવારે રાત્રીના અને રવિવારે વહેલી સવારથી પરીક્ષા આપવા જવા માટે બસ મળશે.