ખાસ-ખબર સંવાદદાતા
કોઇપણ ગુનામાં પુરાવા સાથે ચેડા અથવા પુરાવા જ ગુમ થઇ જવાના વખતોવખત સર્જાતા બનાવોને રોકવા માટે મહત્વપૂર્ણ વિચારણા શરુ કરવામાં આવી છે. અને ‘ન્યુમરિક લોક’ સાથેની ચેડા ન થઇ શકે તેવી ખાસ બેગ તૈયાર કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના માફિયા ડોન ગણાતા અબ્દુલ લતિફ અબ્દુલ વહાબ શેખનું 1997માં એન્કાઉન્ટર થયું હતું. આ ઘટનાના 12 વર્ષ બાદ તેના પરિવારે લતિફે એન્કાઉન્ટર વખતે પહેરેલી હીરાની વીંટી પરત માંગી હતી. પરંતુ પોલીસે કબ્જે કરેલા મુદ્દામાલમાં આવી કોઇ વીંટી ન હતી. આવા મુદ્દામાલ કે પુરાવા ગુમ થઇ જવાના કે ચેડા થવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ભવિષ્યમાં આવા કોઇ બનાવો ન બને તે માટે ન્યુમરિક લોક સાથેની ખાસ પુરાવા બેગ તૈયાર કરવા પોલીસે કાર્યવાહી શરુ કરી છે. આ પ્રકારની બેગ આજીવન ટકી શકશે અને ગમે ત્યારે રજૂ કરવાની થાય ત્યારે ઉપલબ્ધ બનશે. પોલીસ વિભાગનાં એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ફોરેન્સીક સાયન્સ લેબમાં આ પ્રકારની બેગનો ઉપયોગ થાય છે. આ પ્રકારની બેગમાં અદાલત સમક્ષ રજૂ થતાં પુરાવાને પણ વિશ્વસનીય માનવામાં આવે છે. આ પ્રકારની બેગની કિંમત રુા. 30,000 થવા જાય છે પરંતુ જથ્થાબંધ ખરીદીના સંજોગોમાં સસ્તી પડી શકે છે. આખરી નિર્ણય થઇ જવાના સંજોગોમાં રાજ્યભરની પોલીસને આ પ્રકારની બેગ આપવામાં આવશે. કપડા, લોહીના નિશાન વગેરે પુરાવા સાચવવા માટે પણ ‘બ્રેથેબલ બેગ’ તૈયાર કરવામાં આવી રહી છે તેમાં વર્ષો સુધી પુરાવા સાચવી શકાશે.
એક બેગની બજાર કિંમત રૂા. 30,000
- Advertisement -
શું છે બેગની વિશિષ્ટતા ?
-બેગમાં રાખેલા પૂરાવા સાથે કોઇપણ જાતનાં ચેડા પણ શક્ય નહીં બને
-બેગને સીલ કરાયા બાદ ન્યુમરિક લોક વગર ખોલવાનું અશક્ય બનશે
-અમદાવાદ તથા ગાંધીનગર પોલીસ દ્વારા આ પ્રકારની ખાસ બેગની ટ્રાયલ શરુ કરવામાં આવી છે.
-પ્લાસ્ટીકથી બનાવાયેલી આ બેગમાં ન્યુમરિક લોક રાખવામાં આવ્યા છે.
-પોલીસ ઉપરાંત ફરિયાદી-ભોગ બનનારને ન્યુમરિકલ લોકનો આંકડો અપાશે
-ચેડા કરવાનો પ્રયાસ થયાના સંજોગોમાં બેગનો કલર બદલાઇ જશે