પૂરતી તબીબી સેવાથી નાગરિકો વંચિત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બસ સ્ટેન્ડથી 15 કિ.મી. અને માધાપર ચોકડીથી 9 કિ.મી.ના અંતરે જામનગર રોડ પર ખંઢેરી-પરાપીપળીયા ગામ પાસે 201 એકરની વિશાળ જગ્યામાં રૂમ.1195 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા બનેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)નું ધામધૂમથી લોકાર્પણ થયું ત્યારે લોકોને સુપરસ્પેશિયાલીસ્ટ સેવાઓ નજીવા દરથી મળશે તેવી વાતો થઈ હતી. ગુજરાતની સૌપ્રથમ અને આ એકમાત્ર એઇમ્સમાં 58% તબીબો તેમજ વહીવટી સ્ટાફની જગ્યા પણ ખાલી છે જેના કારણે મોટાભાગની સેવાઓ લોકોને મળતી નથી.
- Advertisement -
સંસદમાં ગઈકાલે દેશની એઈમ્સમાં સ્પેશિયાલીસ્ટ ડોક્ટરોની તંગી છે તે અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ દેશની નવીદિલ્હી સહિત 20 એઈમ્સમાં જગ્યા ખાલી છે. જેમાં રાજકોટમાં કુલ મંજુર 183 જગ્યા છે, તે પૈકી માત્ર 76 જગ્યા ભરાયેલી છે અને 107 જગ્યા ખાલી છે. સરકારે આ માટે 70 વર્ષ સુધીના નિવૃતોની સેવા લેવા તેમજ વિઝીટીંગ ડોક્ટરો-ફેક્ટલીની છૂટછાટો આપી છે.ગુજરાતમાં હાલ સૌથી મોટી ચિંતાનો વિષય છે નાના બાળકો, યુવાનોને અચાનક આવી જતા હાર્ટ એટેક, 108 ઈમરજન્સીમાં વર્ષ 2023માં 72,573 અને ગત વર્ષ 2024માં 84,738 કેસ નોંધાયા હતા. મહિને સરેરાશ એક હજાર વ્યક્તિને જીવલેણ કાર્ડિયાક એરેસ્ટ અને 8000ને હ્રદયરોગ સંબંધી ઈમરજન્સી સર્જાય છે. આ સ્થિતિમાં રાજયમાં સમખાવા પુરતી એકમાત્ર એઈમ્સમાં કાર્ડિયોલોજીનો વિભાગ જ હજુ શરુ નથી થયો તો વિકલ્પમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના નિદાન માટેના કરોડો રૂપિયાના મશીન છે પણ ઉપયોગ નથી, સર્જરી પણ થતી નથી. રાજકોટ એઈમ્સના સૂત્રો અનુસાર તાજેતરમાં ભીષ્મ ક્યુબ્સ (ડિઝાસ્ટર સમયે આરોગ્યની તમામ સેવા એક સાથે મળી રહે) ફાળવવામાં આવેલ છે જેનો વર્કશોપ યોજાયો છે. આનાથી કોઈ પણ ડિઝાસ્ટરના સ્થળ પર ઓ.ટી.સહિતની સુવિધા થોડી મિનિટોમાં પહોંચી શકશે. ઉપરાંત નવજાત બાળકો માટે નિયોનેટલ ઈન્ટેન્સીવ કેર યુનિટનો તેમજ લેપ્રોસ્કોપી સર્જરીનો પ્રારંભ કરાયો છે પરંતુ, કાર્ડિયોલોજી સહિત અન્ય અનેકવિધ સેવાઓ ભવિષ્યમાં ચાલુ થશે.
રાજકોટ એઈમ્સમાં હજુ સુધી કાર્ડિયોલોજી વિભાગ જ શરુ નથી થયો
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોમાં હૃદયરોગના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે રાજકોટ એઈમ્સમાં તેના પર રિસર્ચ કરીને તબીબો-જાહેરજનતાને ઉપયોગી કારણો અને તારણો આપવાનું તો દૂર રહ્યું, હજુ એઈમ્સમાં કાર્ડિયોલોજી વિભાગ જ શરુ નથી થયો. વાંકાનેર રહેતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ રામભાઈ મોકરીયાએ એઈમ્સમાં ખાલી જગ્યાઓ ભરવા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે. એઈમ્સમાં પ્રમુખ, નિયામક, વહીવટી અધિકારી, નાણાકીય સલાહકાર વગેરે જગ્યા પણ ખાલી છે. પ્રમુખ પદે ડો.કથિરીયાની નિમણુક થયા બાદ તેમનું ચાલુ સન્માનનો કાર્યક્રમ હતો ત્યાં જ રાજીનામુ લઈ લેવાયું હતું.