જૂનાગઢમાં દબાણો નહીં હટતા એડવોકેટ સંઘવીની મનપાનેે રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢમાં વોકળા કાંઠે ખડકાઇ ગયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતે હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો તેનો એકાદ માસ જેટલો સમય થઇ ગયો છે છતા હજુ સુધી મનપા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મનપા દ્વારા હાઇકોર્ટના હુકમને પણ ગંભીરતાથી લેવામાં આવતો નથી. પિટિશન કરનાર એડવોકેટે હાઇકોર્ટમાં કોમ્પ્લાયન્સ રિપોર્ટ કરવા મનપાના કમિશનર પાસેથી ગેરકાયદેસર બાંધકામ કયારે તોડવાના છો અને જો ન તોડવાનાહોય તો કારણ સાથે માહિતી માંગી છે, જેથી કમ્પ્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ માટે ફરી રિવાઇવ કરી શકાય.
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલીકા વિસ્તામાં પસાર થતા વોકળાઅની આસપાસ ગેરકાયદેસર બાંધકામ ખડકાઇ ગયા છે. 2023ના જુલાઇ માસમાં થયેલા જળબંબાકારથી લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને વ્યાપક નુકશાન થયુ હતુ. ત્યાર બાદ મનપા દ્વારા દેખાવ ખાતર નોટિસ આપવામાં આવી હતી અને અમુક દીવાલો તોડી દબાણ દૂર કર્યાનો સંતોષ માલી લીધો હતો. ત્યારબાદ સ્થિતિ ફરીએ જ થઇ ગઇ હતી. જૂનાગઢના એડવોકેટ કે.બી.સંઘવીએ વોકળા કાંઠે ખડકાયેલા બાંધકામને દૂર કરવા હાઇકોર્ટમાં પિટીશન કરી હતી.
એકાદ માસ પહેલા હાઇકોર્ટે જૂનાગઢ શહેરમાંથી પસાર થતા વોકળાના ત્રણેય વહેણ આસપાસના 28 બાંધકામોને દૂર કરવા હુકમ કર્યો હતો. જેને વખતે મનપાએ વરસાદના કારણે આ બાંધકામો તોડી શકાયા ન હોવાનું કારણ આપ્યુ હતુ. પરંતુ ત્યાબાદ કોઇ પ્રક્રિયા કરીન હતી. હાઇકોર્ટના હુકમ થયાને એક માસ જેટલો સમય થવા આવ્યો છે છતા મનપા દ્વારા આ દિશામાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એડવોકેટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશમાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની સમય મર્યાદા લખી નથી એનો અર્થ એ નથી કે અનિશ્ચિત મુદ્દત સુધી ગેરકાયદેસર બાંધકામ તોડવાની પ્રક્રયા મોકુફ રાખવી. હાઈકોર્ટે હુકમ કર્યો છે તો તેની અમલવારી તાત્કાલીક કરવી જરૂરી છે. હાઈકોર્ટમાં કોમ્પ્લાયન્સ રિપોર્ટ રજીસ્ટ્રાર જનરલ મારફત રજુ કરવાનો છે.
મનપા દ્વારા હજુ સુધી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી આથી એડવોકેટે મનપાના કમિશનર પાસેથી ર8 ગેરકાયદેસર બાંધકામ દુર કરવા જે હુકમ થયો છે તેને નોટિસ આપી ક્યારે બાંધકામ તોડવાનો છો અને જો ન તોડવાના હોય તો કારણ સહિત જાણ કરવી, બાકીના 197 નોટિસ આપવામાં આવી હતી, પિટીશનમાં કાળવાના મુખ્ય વહેણ આસપાસના જ બાંધકામોને જ નોટિસ અપાઈ હતી બાકીના બે વહેણના સર્વે અંગેની માહિતી આપવી, તા.23-1-2024 તથા તા.27-1-2024ના વોકળા કાંઠે થયેલા અનઅધિકૃત બાંધકામ દુર કરવા હુકમ કરાયા છે તે હુકમની નકલ સાથે બાંધકામ વાસ્તવિક રીતે દુર થયા છે કે કેમ તેનું રોજકામ રજુ કરવું અને તેની એક નકલ આપવી, કલેક્ટર જૂનાગઢે માર્ચ 2024માં ડિમોલીશન ડ્રાઈવમાં 27 બાંધકામ દુર કર્યા છે તેમ જણાવ્યું હતુ આ બાબતના કોઈ રોજકામ થયા હોત તો તેની પણ નકલ આપવી, કલેક્ટર દ્વારા પગલા લીધા છે તે ક્યા બાંધકામ દુર થયા તેની જાણ કરવી, 28 બાંધકામો ગેરકાયદેસર છે છતાં દુર કરી શકાયા નથી તે હવે ક્યારે દુર કરાશે તે પણ જણાવવું આ સહિતના મુદ્દાઓ અંગેની માહિતી માંગવામાં આવી છે. જે માહિતી માંગી છે તે કારણ સાથે જણાવવી જેથી હાઈકોર્ટમાં રિપોર્ટ થઈ શકે અને કમ્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ માટે રિવાઈવ કરી શકાય. હાલ એડવોકેટ દ્વારા માહિતીની માંગણી થતા મનપામાં દોડધામ થઈ ગઈ છે.
- Advertisement -
દબાણો મુદ્દે એડવોકેટ કે.બી.સંઘવીએ શું કહ્યું
એડવોકેટ કે.બી સંઘવીએ જણાવ્યું હતું કે, કાળવા વોકળાની પેટા શાખા પર અનેક સ્થળે સ્લેબ ભરી લેવામાં આવ્યા છે. ઝાંઝરડા રોડ પર ક્રિષ્ના આર્કેડ બિલ્ડીંગ પાસે વોકળા પર સ્લેબ ભરી પાર્કિંગ બનાવી લેવામાં આવ્યું છે. જયશ્રી ફાટક પાસે સંસ્કૃતિ બિલ્ડીંગ, કાળવા ચોક નજીક પ્લેટીનીયમ કોમ્પ્લેક્ષ, ઝાંઝરડા બાયપાસ પર ભાજપના આગેવાનના કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, રાયજીનગર પાસે કાલરીયા સ્કૂલ દ્વારા વોકળાની પેટા શાખા પર તેમજ જોષીપરાના ઓઘડનગર પાસે વોકળા પર એકથી વધુ જગ્યાએ સ્લેબ ભરી દબાણ કરી કુદરતી વહેણને અવરોધ ઉભો કરવામાં આવ્યો છે. આથી આવા સ્થળોએ સાયન્ટીફિક મેપીંગ અને ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ મુજબ વોકળાની પહોળાઈ કેટલી હતી અને હાલ કેટલી છે તેની ચકાસણી કરવા પણ જણાવ્યું છે.
ગેરકાયદે દબાણો દૂર કરવા આચારસંહિતા ભંગ થતી નથી
એડવોકેટે જણાવ્યું હતું કે, જ્યારે હાઈકોર્ટના હુકમથી વોકળા કાંઠા પરના ગેરકાયદેસર બાંધકામ દુર કરવાના હોય ત્યારે તેમાં ચૂંટણી આચારસંહિતાનો કોઈ ભંગ થતો નથી. આથી મનપા દ્વારા ચૂંટણી આચારસંહિતાનું બહાનું રજુ કરવામાં ન આવે તેમ પણ જણાવ્યું છે.