સપ્તાહમાં શરદી-ઉધરસના 185, તાવના 71 અને ઝાડા-ઉલ્ટીના 109 કેસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. છેલ્લાં અઠવાડિયામાં તાવ, શરદી, ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો છે ત્યારે મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઉભા થતાં જાહેર આરોગ્યના પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મનપા દ્વારા 125 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.
છેલ્લાં એક અઠવાડિયામાં શહેરમાં શરદી, ઉધરસના 185, સામાન્ય તાવના 71 અને ઝાડા-ઉલ્ટીના 109 કેસ નોંધાયા છે જ્યારે ચાલુ વર્ષમાં ડેંગ્યુના 8, મેલેરીયાના 15 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે ત્યારે મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હીકલ માઉન્ટેડ ફોગીંગ મશીનથી આર.એમ.સી. દ્વારા ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. સોરઠીયા પ્લોટ, બાપુનગર કવા., જૂના ગણેશનગર, કેવડાવાડી, વસુંધરા સોસા., સ્લમ ક્વા., લલુડી વોંકળી, ઘાંચીવાડ, નવયુગપરા સહિતના વિસ્તારોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી અને મચ્છર ઉત્પતિ બદલ 124 વ્યક્તિને નોટીસ ફટકારવામાં આવી હતી.