આરોગ્ય શાખા દ્વારા પોરાનાશક અને ફોગીંગની કામગીરી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે. દિવસે ને દિવસે તાવ, ઝાડા-ઉલ્ટી અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે ત્યારે હવે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. વધતાં રોગચાળાને અટકાવવા રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા ફોગીંગ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
આ રોગચાળા દ્વારા ઉભા થતાં જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરાઈ રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 16થી તા. 22 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિતની 360 ટીમો દ્વારા 96,966 ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ફિલ્ડ વર્કરો દ્વારા 5715 ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કરવામાં આવે છે તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
ડેંન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલીક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરુદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ તથા વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 288 પ્રિમાઈસીસ (બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ-વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલ છે જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં 379 અને કોમર્શિયલ 77 આસામીને નોટીસ આપવામાં આવેલ તથા રૂા. 12,350નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.