નિવૃત્તિ બાદ ત્રણ શિક્ષકોએ તળાવ કિનારે હરિયાળી ફેલાવી: યુવાનો માટે બન્યા પ્રેરણારૂપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના સરવાળ ગામના ત્રણ નિવૃત્ત શિક્ષકો ધનજીભાઈ પટેલ, ભગવાનભાઇ પટેલ અને વશરામભાઈ પટેલે પર્યાવરણ સુરક્ષા માટે એક અનોખું અને પ્રેરણાદાયક અભિયાન શરૂ કર્યું છે. નિવૃત્તિ બાદ આરામ કરવાને બદલે આ શિક્ષકોએ ગામના તળાવ કિનારે 200 વૃક્ષો વાવીને તેમનું સંતાનની જેમ જતન કર્યું છે. આજે આ વૃક્ષો 20 થી 25 ફૂટ ઊંચા થઈ ગયા છે અને ગામલોકોને શીતળ છાંયડો પૂરો પાડી રહ્યા છે.
આ ભગીરથ કાર્યમાં ગ્રામ પંચાયત અને સરપંચ અશ્વિનભાઈ પટેલે પણ સહયોગ આપ્યો છે. પંચાયત દ્વારા વૃક્ષો ફરતે સિમેન્ટના ઓટલા અને પેવર બ્લોક નાખવામાં આવ્યા છે, જેથી વડીલો અને મુસાફરો ત્યાં આરામ કરી શકે. શિક્ષકોની આ પહેલથી પ્રેરાઈને ગામના યુવાનોએ વધુ 100 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. આ નિવૃત્ત શિક્ષકોએ સાબિત કરી દીધું છે કે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ જ આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપી શકે છે.



