ચીનમાં કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટના સબવેરિએન્ટ બીએફ.7નો હાહાકાર છે ત્યારે આ સબવેરિએન્ટના બે ટેસ્ટ ગુજરાતમાં પણ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. એક કેસ અમદાવાદમાં અને બીજો વડોદરામાં નોંધાયો હતો. જો કે એકપણ દર્દીને ગંભીર તકલીફ થઇ ન હતી.
રાજ્યના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે પોઝીટીવ કેસોના જીનોમ સિકવન્સીંગ વખતે બીએફ.7 સબવેરિએન્ટના બે કેસો માલુમ પડ્યા હતા. એક કેસ તાજેતરનો જ છે જ્યારે એક કેસ જૂનો છે. બંનેમાંથી કોઇપણ દર્દીને ગંભીર લક્ષણો માલુમ પડ્યા ન હતા. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે થયેલા જીનોમ સીકવન્સીંગના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં એક્સબીબી અને તેના વેરિએન્ટ એક્સબીબી.1 અને એક્સબીબી.2 પણ પ્રવર્તે છે. આ સિવાય બીએફ વેરિએન્ટના કેસો પણ માલુમ પડ્યા છે.
- Advertisement -
બીએફ.5, બીએફ.3, બીએફ.23, બીએફ.10 વગેરે સબવેરિએન્ટ પણ માલુમ પડ્યા છે. આ ઉપરાંત સીએ.3, બીએ.2.75, બીએન.1.5 વગેરેના કેસો પણ નોંધાયા હતા. ગુજરાતમાં કુલ કેસોમાંથી 60 ટકા કેસ એક્સબીબી વેરિએન્ટના હતા. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઓમિક્રોનના સબવેરિએન્ટ તબીબી ધોરણે ખાસ અલગ નથી.
ચીનમાં નવા વેરિઅન્ટનો ખતરો
સફદરજંગ હોસ્પિટલમાં કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના એચઓડી પ્રોફેસર ડૉ. જુગલ કિશોર કહે છે કે, ચીનમાં જે રીતે કોરોના વધી રહ્યો છે તે મુજબ ત્યાં કોરોનાનું નવું વેરિઅન્ટ આવ્યું હોવાની સંભાવના છે. કારણ કે નવા પ્રકાર હોય ત્યારે જ કેસો અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા એટલી ઝડપથી વધે છે. જૂના પ્રકારથી આવી ખતરનાક અસરનું જોખમ ઓછું છે. ડૉ. કિશોર કહે છે કે, ચીનમાં કોવિડ વધવાને કારણે જાપાન અને અમેરિકામાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. તે ચિંતાનો વિષય છે કે, હોસ્પિટલમાં દાખલ થવામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે તમામ દેશોએ સતર્ક રહેવાની જરૂર છે.
- Advertisement -
આ સાથે ડૉ. જુગલ કિશોર કહે છે કે, હવે ચીનથી લઈને વિશ્વના ઘણા દેશોમાં કોવિડ ફેલાવાનું જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં વાયરસને ફરીથી નિયંત્રિત કરવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો કરવા પડશે. કારણ કે, જો ચીનમાં નવો પ્રકાર આવે છે અને તે ખૂબ જ ચેપી બની જાય છે, તો ફરીથી કોવિડના કેસ વિશ્વભરમાં વધી શકે છે. આવી સ્થિતિમાં ભારતના લોકોને કોવિડ વિશે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. નવું વર્ષ આવી રહ્યું હોવાથી લોકો પાર્ટી કરશે. આવી સ્થિતિમાં કોવિડ તેના પગ ફેલાવી શકે છે. હવે કોરોના અંગે સાવચેતી રાખવી અને નિવારણના નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કોવિડની સ્થિતિને લઇ આરોગ્ય વિભાગની મળશે બેઠક
ચીનમાં હાહાકાર મચાવ્યાં બાદ કોરોનાએ યુરોપના ઘણા દેશોને પોતાના કબજામાં લઈ લીધા છે. ભારત પણ આ અંગે સતર્ક છે. આજે કોવિડની સ્થિતિને લઇ આરોગ્ય વિભાગની બેઠક મળશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહેલી બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે હાલની કોવિડની સ્થિતિ, વેક્સિનેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે.