રાજ્ય સરકારના રમત-ગમત વિભાગ દ્વારા સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકો પણ પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી શકે અને ખેલ કૌશલ્ય દાખવી શકે તે હેતુથી ’સ્પેશિયલ ખેલ મહાકુંભ’નું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત આજરોજ જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ ખાતે સાંભળવાની ક્ષતિ ધરાવતા (બહેરા-મૂંગા) બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અંધજન મંડળ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 87 જેટલા દિવ્યાંગ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવી પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે 100 મીટર અને 200 મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોનો જુસ્સો વધારવા માટે સરકારશ્રી દ્વારા આકર્ષક રોકડ પુરસ્કારો પણ રાખવામાં આવ્યા છે. જેમાં વયકક્ષા મુજબ વિજેતા થનાર બાળકોને પ્રથમ ઇનામ રૂ. 5,000, દ્વિતીય ઇનામ રૂ 3,000 અને તૃતીય ઇનામ રૂ. 2,000 આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટીના સ્ટાફની સાથે દિવ્યાંગ બાળકો માટે કાર્યરત શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
જૂનાગઢમાં દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ: 87 સ્પર્ધકો સાથે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો

Follow US
Find US on Social Medias


