ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
રાજ્યનાં નાણાં, ઊર્જા, પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇનાં હસ્તે ગીર સોમનાથ જિલ્લાનાં પ્રભાસ પાટણ અને પ્રાંચી સબ ડિવીઝનમાંથી વિભાજીત કરેલ સૂત્રાપાડા સબ ડિવીઝનનાં ઓફિસ ભવનનું 285 ચોરસ મીટરનું કાર્ય 1.07 કરોડનાં ખર્ચે સંપન્ન થવા સાથે આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ અને ગીરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી એટલે કે 3,672 ફુટની ઊંચાઇ સુધી અંડર ગ્રાઉન્ડ કેબલને એચ.ડી.પી.ઇ.પાઇપ માંથી પસાર કરી પાથરવાનું કાર્ય 7.92 કરોડનાં ખર્ચે સંપન્ન થતાં લોકાર્પણ કરી તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રી અને મહાનુભાવોએ પહેલા નોરતાની વહેલી પરોઢે ગીરનાર પર્વત પર બિરાજતા માતા ભવાનીનાં દર્શન પૂજન કરી અંબાજી ખાતે 100 કીલોવોટનાં ટ્રાન્સફોર્મર સેટને રીબન અનાવરણ કરી ખુલ્લુ મુક્યું હતું.
વીજગ્રાહકોને વીજ પૂરવઠાની ગુણવત્તા અને વિશ્વસનિયતામાં વધારો કરવા રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમનો અમલ- ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાં 30 ફિડરની 405 સીકેએ. લંબાઇ નાં કામ પેટે 3832 લાખનાં કામો મંજૂર કરાયા છે. જે પૈકી 6 ફીડરની 76 સીકેએમ લંબાઇનું 723 લાખનાં ખર્ચનું કામ સંપન્ન થતાં લોકોને વીજ પુરવઠાની ગુણવત્તામાં સુધારો થશે. રાષ્ટ્રના વિકાસ માટે ઉર્જા માટેની પહોંચ એ મહત્વની પૂર્વપેક્ષિત બાબત છે. આપણી લગભગ તમામ દૈનિક પ્રવૃતિઓમાં ઉર્જા કેન્દ્રીય સ્થાન ધરાવે છે- રસોઈ, સ્વચ્છ પાણી મેળવવામાં, ખેતી, શિક્ષણ, પરિવહન, રોજગાર નિર્માણ, ઉદ્યોગ અને પર્યાવરણાત્મક નિરંતરતા મહત્વનાં છે.