દિનેશ ખટારિયાએ કહ્યું-’બદલીની માંગ નહોતી, વાંધો મનસ્વી વર્તન સામે હતો’
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ જિલ્લામાં DDO અને સરપંચો વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે. જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સરપંચ યુનિયન સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. સરપંચ યુનિયને અગાઉ જિલ્લા વિકાસ અધિકારી સામે મનસ્વી વર્તન અને વિકાસ કાર્યમાં વિક્ષેપના આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે જિલ્લા કલેક્ટર અને રાજ્યના પંચાયત મંત્રાલય સુધી રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશભાઈ ખટારિયાએ સ્પષ્ટ કર્યું કે તેમણે ઉઉઘની બદલીની માગણી કરી નહોતી. તેમનો વાંધો માત્ર કાર્યશૈલી અને મનસ્વી વર્તન સામે હતો. જિલ્લામાં 75 ટકા જેટલા ગ્રામ્ય વિકાસના કામો અને મનરેગાના પ્રોજેક્ટ્સ પેન્ડિંગ હતા.
- Advertisement -
પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે વિકાસ કાર્યો અટકવા અંગે ધારાસભ્યો અને સ્થાનિક હોદ્દેદારોની રજૂઆતો મળી હતી. બદલી વહીવટી પ્રક્રિયાનો ભાગ છે અને અનેક પરિબળોને ધ્યાને લઈને નિર્ણયો લેવાય છે. હવે નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે એચ.પી. પટેલે કાર્યભાર સંભાળ્યો છે. સરપંચ યુનિયને આશા વ્યક્ત કરી છે કે જૂનાગઢના વિકાસ કામો ફરી ગતિ પકડશે. પ્રભારી મંત્રીએ બેઠકમાં ઉઠેલા મુદ્દાઓના યોગ્ય સમાધાન માટે ખાતરી આપી છે. સરપંચ યુનિયને મુખ્યમંત્રી, પંચાયત મંત્રી અને પ્રભારી મંત્રીનો આભાર માન્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ગ્રામ્ય વિસ્તારોના હિતમાં તંત્ર અને પ્રતિનિધિઓ વચ્ચે સારું સંકલન રહેશે.