-ભારતે બનાવેલા 211 રનના જવાબમાં બાંગ્લાદેશ ઝડપી શરૂઆત છતાં 160 રન જ બનાવી શક્યું: નિશાંત સંધુની પાંચ વિકેટ: બેટિંગમાં કેપ્ટન યશ ઢુલ ઝળક્યો
શ્રીલંકામાં આયોજિત ઈમર્જિંગ એશિયા કપ-2023ના બીજા સેમિફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 51 રને ધોઈ નાખ્યું છે. પહેલાં બેટિંગ કરતાં ભારતે કેપ્ટન યશ ઢુલ (66 રન)ની ઈનિંગની મદદથી 211 રનનો સ્કોર બનાવ્યો હતો જેની સામે બાંગ્લાદેશ 34.2 ઓવરમાં 160 રન બનાવીને આઉટ થઈ ગયું હતું. બોલિંગમાં ભારત વતી નિશાંત સિંધૂએ પાંચ વિકેટ ખેડવી હતી.
- Advertisement -
બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાછલી મેચમાં સદી બનાવનાર સાઈ સુદર્શન 21 રન બનાવીને આઉટ થયો હતો તો અભિષેક શર્માએ 34 રન બનાવ્યા હતા. નિકિન દાસ કશું ખાસ કરી ન શક્યો અને 17 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. આ પછી કેપ્ટન યશ ઢુલ મોરચો સંભાળી લેતાં 85 બોલમાં 66 રનની ઈનિંગ રમી ટીમના સ્કોરને 200ને પાર પહોંચાડ્યો હતો.
અંતમાં માનવ સુધારે 21 રન અને આર.એસ.હંગરગેકરે 15 રનની ઝડપી ઈનિંગ રમી હતી. મહેદી હસન, તંઝીમ હસન સાકિબ અને રકીબૂલ હસને બે-બે વિકેટ ખેડવી હતી. રિપન મોન્ડોલ, સૈફ અસન અને સૌમ્ય સરકારને એક-એક વિકેટ પ્રાપ્ત થઈ હતી.
લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશે ઝડપથી શરૂઆત કરી હતી. મોહમ્મદ નઈમ (38 રન) અને તંજીદ હસન (51 રન)એ પહેલી વિકેટ માટે 70 રન બનાવ્યા હતા. જો કે ત્યારબાદ ભારતીય સ્પીનરોએ મેચમાં વાપસી કરીને બાંગ્લાદેશને 160 રનમાં જ આઉટ કરી દીધું હતું.