સંસ્કૃત ભાષાને સૌથી જટિલ, શ્રેષ્ઠ અને આઇ.ક્યુ. વધારનારી ગણવામાં આવી છે, માતાએ દરરોજ સંસ્કૃત મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઇએ જેથી શિશુનો પૂર્ણ વિકાસ થઈ શકે.
– પરખ ભટ્ટ
પ્રેગનન્સી દરમિયાનનો નવ મહિનાનો સમયગાળો શિશુ તેમજ માતા માટે સૌથી વધુ અગત્યનો ગણવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યુ છે કે બાળકનાં 60 ટકા મગજનો વિકાસ માતાનાં ગર્ભમાં જ થઈ જાય છે. તેનાં આઇ.ક્યુ (ઇન્ટલિજન્ટ ક્વોશન્ટ)ને ગર્ભાધાનનાં સમયથી જ વધુ મહત્વ આપવામાં આવે તો બાળક ખૂબ તંદુરસ્ત અને બુધ્ધિશાળી જન્મે છે. આના માટે આપણા શાસ્ત્રોમાં ‘ગર્ભ-સંસ્કાર’નો ઉલ્લેખ થયેલો છે.
હાલની જટિલ અને નુકશાનપ્રેરક જીવનશૈલી વચ્ચે ગર્ભવતી સ્ત્રી માટે ખુશનુમા, ઉત્સાહપ્રેરક, હકારાત્મક વાતાવરણ ઉભું કરવું એ ચુનૌતી સમાન છે. આજુબાજુનાં પરિબળો તેનાં પોતાનાં વ્યક્તિગત જીવન પર તો ઠીક, પરંતુ તેનાં આવનારા બાળકનાં સ્વાસ્થ્ય અને બુધ્ધિક્ષમતા પર પણ ગંભીર અસર દેખાડે છે. આથી જ હંમેશા ગર્ભવતી સ્ત્રીને ખુશ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી સંતાન પણ માતાનાં ગર્ભમાં નિરાંતનો અનુભવ કરી શકે! આપણા આયુર્વેદમાં ગર્ભધારણ કરેલી માતાનાં માનસિક, આધ્યાત્મિક અને શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ગર્ભ-સંસ્કાર વિધિને સવિશેષ મહત્વ અપાયું છે. બીજફલન માટેનાં સમાગમથી શરૂ કરીને બાળકનાં જન્મ સુધીનાં નવ મહિનાઓ દરમિયાન સ્ત્રીની ખાવા-પીવાની આદતો, તેની રહેણી-કરણી તેમજ કાર્યશૈલી જેવી તમામ બાબતોનું વિગતવાર વર્ણન ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે 10,000 વર્ષ પુરાણા ‘ગર્ભ-સંસ્કાર’ને વૈજ્ઞાનિકો હવે છેક તવજ્જુ આપી રહ્યા છે! તેમને ખરેખર એ વાતનો અહેસાસ થયો છે કે નવ મહિના દરમિયાન ગર્ભવતી સ્ત્રી, જે પ્રકારનાં વિચારો કરે છે એની સીધી અસર બાળકની વિચાર-શક્તિ પર પડે છે.
- Advertisement -
પૌરાણિક સમયમાં એવું મનાતું કે બાળકમાં સત્વ-ગુણ (આધ્યાત્મિક અને હકારાત્મક વિચારો)ની વૃધ્ધિ કરવા માટે ગર્ભાધાનનાં સમયથી જ અમુક સંસ્કારો (એટલે કે, લાઇફ-સ્ટાઇલ)નું પાલન થવું જરૂરી છે. ગર્ભ-સંસ્કારમાં સૂચવ્યા મુજબ, માતાનાં ગર્ભમાં રહેલું બાળક આજુબાજુનાં વાતાવરણમાં ચાલી રહેલી તમામ પ્રવૃત્તિઓથી વાકેફ હોય છે. પરિવારનાં લોકોનો સ્વભાવ, તેમનાં વિચારો, લાગણીઓ તેમજ ધીમા સ્વરે વાગી રહેલા સંગીતને અનુભવી તેનો પ્રતિભાવ આપી શકવાની અદભુત શક્તિ ગર્ભમાં રહેલા બાળક પાસે હોય છે. આ તમામ પરિબળોને કારણે તેનાં ચારિત્ર્ય-ઘડતર, માનસિક-સ્વાસ્થ્ય અને વર્તણૂક પર અસર જોવા મળી શકે છે.
અગર બાળક અપંગ અથવા ખોડ-ખાંપણયુક્ત જન્મે તો તેની પાછળ માતા-પિતાનાં જનીન તેમજ ગર્ભવતી સ્ત્રીનાં નકારાત્મક વિચારો જવાબદાર હોય છે. ગર્ભ-સંસ્કારની વિધિ માટે ખાસ કશું કરવાનું હોતું નથી. હેલ્ધી લાઇફ-સ્ટાઇલ, પોઝિટિવ થોટ્સ અને ઇનર હેપ્પીનેસ આ માટેની ચાવી છે. સરસ્વતી માતાનાં મંત્રો અને શ્રી કૃષ્ણની બાંસુરીનો સૂરીલો સ્વર આવનારા બાળકનાં મગજ માટે ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે. આવું સંગીત શાંતિ અને સુખપ્રેરક છે. ગર્ભવતી સ્ત્રી દ્વારા દરરોજ પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે તો તેનાં પોતાનાં સ્વાસ્થ્ય અને બાળકની આત્મા માટે તે બુધ્ધિવર્ધક છે. સંસ્કૃત ભાષાને સૌથી જટિલ, શ્રેષ્ઠ અને આઇ.ક્યુ. વધારનારી ગણવામાં આવી છે. માતાએ દરરોજ સંસ્કૃત મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઇએ જેથી શિશુનો પૂર્ણ વિકાસ થઈ શકે.
નાખુશી, ભય, ચિંતા જેવી નકારાત્મક લાગણીને કારણે બાળકનાં રંગસૂત્ર-બંધારણ પર અસર થાય છે. માનસિક રીતે અસ્વસ્થ તથા હોમો-સેક્સ્યુઅલ બાળક પેદા થવા પાછળ આવા વિચારો કારણભૂત છે. આજની માતાઓ નોર્મલ ડિલીવરીને બદલે સિઝેરિયન (સી-સેક્શન), વેક્યુમ એક્સટ્રેક્શન અથવા ફોરસેપ્સ ડિલીવરીનો આગ્રહ વધુ રાખતી હોય છે. પરંતુ તેમને ખ્યાલ નથી કે નોર્મલ ડિલીવરી વખતે બાળક માતાનો ગર્ભ છોડતાં પહેલા સારા બેક્ટેરિયા (ગુડ બેક્ટેરિયલ ઇન્ટેક) પોતાનાં શરીરમાં ક્ધઝ્યુમ કરે છે, જે તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
- Advertisement -
હિંદુ શાસ્ત્રોમાં કુલ 16 સંસ્કારનો ઉલ્લેખ છે.
1. ગર્ભાધાન 2. પુંસવન 3. સીમંતોનયન
4. જાતકર્મ 5. નામકરણ 6. નિષ્ક્રમણ
7. અન્નપ્રાશન 8. ચૂડાકરણ 9. કર્ણવેધ
10. વિદ્યારંભ 11. ઉપનયન 12. વેદારંભ
13. કેશાન્ત 14. સમાવર્તન 15. વિવાહ અને 16. અંત્યેષ્ટિ!
દરેકનું પોતાનું વિશિષ્ટ મહત્વ છે, પણ શરૂઆત તો ગર્ભ-સંસ્કારથી જ થાય છે!
ગર્ભમાં રહેલ બાળક સર્વપ્રથમ માતાનાં હૃદયનો ધબકાર સાંભળે છે !
તેને કોઇ પ્રકારની એલર્જી લાગવાની સંભાવના નહિવત થઈ જાય છે. અહીં સિઝેરિયન ખરાબ છે કે નોર્મલ ડિલીવરી ન કરી શકનારી માતાઓ દુર્બળ છે એવું કહેવાનો આશય નથી. ઘણા કેસમાં માતા અથવા બાળકની જાનને જોખમ હોય તો ડોક્ટર્સ અન્ય પધ્ધતિ વડે ડિલીવરી કરવાની સલાહ આપતાં હોય છે, જે તદ્દન સ્વીકાર્ય છે. વાતનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી નોર્મલ ડિલીવરીનો જ આગ્રહ રાખવો એ માતા અને તેનાં સંતાન બંને માટે હિતાવહ છે.
વૈજ્ઞાનિકોએ સાબિત કર્યુ છે કે ગર્ભમાં રહેલ બાળક સર્વપ્રથમ માતાનાં હ્રદયનો ધબકાર સાંભળે છે. તેને એ ધબકારા અમુક પ્રકારનાં મધુર સંગીત જેવા પ્રતીત થાય છે, જેનાં લીધે તે અત્યંત હૂંફ અને સુરક્ષાનો અનુભવ કરે છે. તમે નોંધ્યું હશે કે રડતાં બાળકને જ્યારે માતાની છાતી-સરસું ચાંપવામાં આવે ત્યારે તેને ફરી સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણનો અહેસાસ થતાં રૂદન બંધ કરી દે છે. સંસ્કૃત મંત્રોમાં એ શક્તિ છે કે જેનાં વડે બાળકનાં ખામીયુક્ત રંગસૂત્રો પણ સ્વસ્થ રંગસૂત્રોમાં રૂપાંતરિત થઈ શકે છે. 1.618 રેશિયો (ગુણોત્તર) ધરાવતી ફ્રિકવન્સીનું મ્યુઝિક માતા અને બાળક બંનેનાં રંગસૂત્રો પર એકસમાન અસર કરે છે. સંસ્કૃત મંત્રો પાસે એવા આરોહ-અવરોહ છે જે આ પ્રકારની અસર પેદા કરી શકે છે. ગર્ભ-સંસ્કારનાં વર્ણનમાં આ તમામ બાબતોનો સમાવેશ થયેલો છે જે વિજ્ઞાન આપણને આજે છેક શીખવી રહ્યું છે!
હજારો વર્ષ પહેલાનાં આપણા મહાકાવ્યો અને વેદ-પુરાણોમાં કેટલાય ચરિત્રોનો ઉલ્લેખ થયેલો છે, જેમને યોગ્ય ગર્ભ-સંસ્કાર તેમજ કેળવણી આપવામાં આવી હોય :
(1) અભિમન્યુ
મહાભારતનાં યુધ્ધ પહેલાનાં વર્ષોમાં જ્યારે અર્જુન પોતાની ગર્ભવતી પત્ની સુભદ્રાને ચક્રવ્યુહ-સંરચના સમજાવી રહ્યો હોય છે ત્યારે તે ચક્રવ્યુહ ભેદવાથી શરૂ કરીને છેક અંદરનાં ભાગ સુધી પહોંચવા સુધીનું વિગતવાર વર્ણન કરે છે. પરંતુ ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાની કળા શીખવતાં પહેલા અર્જુન જુએ છે કે સુભદ્રા તો ગાઢ નિદ્રામાં સરી પડી છે. આથી તે પોતાની શિક્ષા અધૂરી છોડીને બહાર ચાલ્યો જાય છે. સુભદ્રાનાં ગર્ભમાં રહેલ અભિમન્યુ ચક્રવ્યુહ ભેદવાની માહિતી તો પ્રાપ્ત કરી લે છે પરંતુ તેમાંથી સકુશળ બહાર કેમ નીકળવું એની વિગતો જાણ ન હોવાને કારણે કુરૂક્ષેત્રમાં તે કમોતે માર્યો જાય છે! સુભદ્રાનું ઉદાહરણ ગર્ભ-સંસ્કાર માટેનું સૌથી શ્રેષ્ઠ અને ચેતવણીજનક ઉદાહરણ માનવામાં આવે છે. તે સૂચવે છે કે બાળકનાં મન પર નાનામાં નાની વાત પણ કેવડી મોટી અસર કરી શકે છે!
(2) પ્રહલાદ
આમ તો પ્રહલાદ એક રાક્ષસનું સંતાન ગણી શકાય. આમ છતાં તેનામાં એકપણ રાક્ષસી ગુણ જોવા ન મળ્યા! એનું કારણ? ગર્ભ-સંસ્કાર. નારદમુનિએ હિરણ્યકશિપુની પત્નીને ભગવાન વિષ્ણુની આરાધના કરવાનું કહ્યું. નવ મહિના સુધી તેણે લાગલગાટ વિષ્ણુનાં અવતારોની કથા સાંભળી, જેનાં લીધે તેનાં ગર્ભમાં રહેલ બાળકનાં મન પર પણ તેની હકારાત્મક અસર જોવા મળી. મોટો થઈને પિતાનાં ક્રુર પગલા પર ન ચાલીને તેણે વિષ્ણુ-ભક્તિનો માર્ગ પસંદ કર્યો.
(3) અષ્ટાવક્ર
પોતાનું બાળક દુનિયાનો સૌથી બુધ્ધિશાળી વ્યક્તિ બને એવી ખેવના કઈ માતાને ન હોય? ઋષિ-પત્ની સુજાતાને પણ ગર્ભ-ધારણ સમયે એક ઇચ્છા હતી કે તેનાં આવનારા બાળકમાં સૌથી વધુ ગુણ, બુધ્ધિ અને રૂપનો સમન્વય જોવા મળે! આ માટે તેણે પોતાનાં ઋષિપતિ કહોડા પાસેથી દરરોજ અલગ-અલગ વિષય પર જ્ઞાન પ્રાપ્ત કરવાનું શરૂ કર્યુ. જેમ-જેમ તેને જ્ઞાન પ્રાપ્ત થયું એમ તેનાં ગર્ભમાં રહેલું બાળક પણ બુધ્ધિશાળી બનતું ગયું. એક દિવસ ઋષિ કહોડાથી કોઇક વિષય પર ભૂલથી ખોટી માહિતી અપાઈ ગઈ. સુજાતાએ તેમને બધા શિષ્યોની વચ્ચે ટકોર કરી. આથી રોષે ભરાઈને ઋષિ કહોડાએ પોતાની પત્નીને શાપ આપ્યો કે તારું આવનારું સંતાન અત્યંત કુરૂપ અને ખોડ-ખાંપણયુક્ત જન્મશે! અને થયું પણ એવું જ. બાળકનો જન્મ થયો ત્યારે તેનો દેખાવ ખૂબ કદરૂપો હતો, પરંતુ બાદમાં પોતાની પ્રખર બુધ્ધિ વડે તેણે વિશ્વને ચકાચૌંધ કરી મૂક્યું. આ બાળક એટલે ‘અષ્ટાવક્ર’!
હવે એક સાંપ્રત ઉદાહરણ જોઇ લઈએ :
(4) વિનાયક દામોદર સાવરકર ઉર્ફે વીર સાવરકર
મહારાષ્ટ્ર સહિત દેશનો પ્રત્યેક નાગરિક વીર સાવરકરનાં સાહસ અને વિચારોથી પ્રભાવિત છે. તેની માતાએ ગર્ભાધાનનાં સમયથી જ રામાયણ, મહાભારતનું વાંચન શરૂ કરી દીધું હતું. ભારતનાં વીર યોધ્ધા મહારાણા પ્રતાપની આખી જીવનગાથાથી તેઓ પરિચિત હતાં. નવ મહિના દરમિયાન તેમણે સાહસભરી કથાઓ અને વર્ણનો વાંચીને પોતાનાં ગર્ભ-સંસ્કાર કર્યા. એ જ વીર સાવરકર મોટા થઈને અંગ્રેજો સામે જે જંગ લડ્યા એને આજે આપણે ભારતનાં મહાન ઇતિહાસનાં પ્રકરણોમાં વાંચી શકીએ છીએ!
જીજાબાઈએ ગર્ભ-સંસ્કાર ન કર્યા હોત તો આજે આપણને છત્રપતિ શિવાજી મહારાજ જેવો સશક્ત ઐતિહાસિક રાજા ન મળી શક્યો હોત! આવા તો બીજા અસંખ્ય ઉદાહરણો મૌજૂદ છે આપણી વચ્ચે!
અમેરિકાની લુથેરન યુનિવર્સિટીનાં સંશોધકોનું કહેવું છે કે બાળકને માતાની ભાષા શીખવવી નથી પડતી! તે જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે જ તેને માતાની બહારનાં લોકો સાથેની વાતચીત સંભળાતી હોય છે, જેનાં લીધે તેમણે એવી સલાહ આપી છે કે ગર્ભવતી સ્ત્રીઓએ પોતાનાં વાણી-વર્તન પર ખૂબ સંયમ રાખવો અને ક્યારેય કડવા વેણ ન ઉચ્ચારવા! ગર્ભ-સંસ્કારની માફક મોડર્ન સાયન્સ પણ સૂચન કરે છે કે ગર્ભવતી સ્ત્રીએ પોતાનાં પેટ પર હાથ ફેરવીને બાળક સાથે વાતો કરતી રહેવી જોઇએ. હળવી મસાજ, શાંતિપ્રિય સંગીત અને પ્રેરણાત્મક પુસ્તકોનાં વાંચન થકી બાળકને પોતાની આસપાસ બધું બરાબર ચાલી રહ્યું છે એનો અનુભવ કરાવવો જોઇએ. જેથી તેનું મગજ નિશ્ચિંત થઈને પૂર્ણત: વિકાસ પામી શકે. હિંદુ શાસ્ત્રોમાં કુલ 16 સંસ્કારનો ઉલ્લેખ થયેલો છે : ગર્ભાધાન, પુંસવન, સીમંતોનયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કર્ણવેધ, વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાન્ત, સમાવર્તન, વિવાહ અને અંત્યેષ્ટિ! દરેકનું પોતાનું વિશિષ્ટ મહત્વ છે, પણ શરૂઆત તો ગર્ભ-સંસ્કારથી જ થાય છે!