-ટેસ્લા ઓફિસનું મહિને 11.6પ લાખ ભાડુ ચુકવશે
પોતાના મોટર વ્હીકલ બિઝનેસને વધારવા એલન મસ્કની કંપનીએ ભારતમાં પ્રવેશ કર્યો છે અને પૂણેમાં ઓફિસ ભાડે લીધી છે. ટેસ્લા ભારતમાં તેના મોટર વ્હીકલ બિઝનેસને વિસ્તારવા માટે તૈયાર છે. એલન મસ્કની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પૂણેના પંચશીલ બિઝનેસ પાર્કમાં ઓફિસની જગ્યા ભાડે રાખી છે. ટેસ્લાના એક્ઝિક્યુટિવ્સનું પ્રતિનિધિમંડળ ભારતમાં તેની ઈલેક્ટ્રિક કારના વેચાણ માટેના પ્રોત્સાહનો અને લાભો અંગે ચર્ચા કરવા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને મળ્યા બાદ કંપનીએ આ ઓફિસ ભાડે રાખી છે.
- Advertisement -
ઓફિસની જગ્યા ટેસ્લાની ભારતીય પેટાકંપની તરફથી પાંચ વર્ષ માટે લીઝ પર લેવામાં આવી છે. ટેસ્લાની પેટાકંપનીએ પંચશીલ બિઝનેસ પાર્કમાં બી વિંગના પહેલા માળે 5,580 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ લીધી છે. આ ડીલ ટેબલસ્પેસ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ સાથે કરવામાં આવી છે. તેનું ભાડું 1 ઓક્ટોબર, 2023થી શરૂ થશે અને બંને કંપનીઓ દર વર્ષે 5 ટકાના વધારા સાથે 36 મહિનાના લોક-ઇન પિરિયડ પર સહમત થઈ છે.
જો આ કંપની ઈચ્છે તો તે વધુ પાંચ વર્ષ માટે લીઝ વધારી શકે છે. રિયલ એસ્ટેટ એનાલિટિક્સ ફર્મ સીઆરઆઇ મેટ્રિક્સ અનુસાર શેર કરવામાં આવેલા દસ્તાવેજોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટેસ્લા 60 મહિના માટે જગ્યા ભાડે રાખવાના બદલામાં 11.65 લાખ રૂપિયાનું માસિક ભાડું અને 34.95 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવશે.