9 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે: 25 જૂને મતગણતરી હાથ ધરાશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
અંતે ગુજરાતની 8327 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડીંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. રાજ્યની 8240 જેટલી ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણીપંચ તરફથી આજે બપોરે તારીખોનું એલાન થશે. રાજ્ય ચૂંટણીપંચ આજે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે.
ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણીપંચે કલેક્ટરોએ પત્ર લખી પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ કર્યો હતો.
આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણીપંચે બેલેટપેપર છપાવવા પ્રિન્ટિંગ પ્રેસ નક્કી કરવા, ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા ટેન્ડરપ્રક્રિયા કરવા પણ જણાવી દીધું છે. કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી-કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયુ છે.