સભા-રેલીનું વીડિયો રેકોર્ડિંગ, પછી વીડિયો નિરિક્ષણ કરી ખર્ચ આકારણી, ખર્ચ સમિતિ દ્વારા હિસાબની દેખરેખ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને નાગરિકોનો લોકશાહી પર વિશ્વાસ વધુ દ્રઢ થાય તે માટે ચૂંટણીતંત્ર સુવ્યવસ્થિત રીતે, આયોજનબદ્ધ અને પૂરી પારદર્શકતા સાથે કાર્ય કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં રાજકોટ જિલ્લામાં આઠેય વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આ સાથે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં કરાતા ખર્ચ પર નજર રાખવા વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યુઇંગ ટીમ તેમજ ખર્ચ નિરીક્ષક ટીમ-એમ ત્રિસ્તરીય વ્યૂહરચના ગોઠવવામાં આવી છે.
- Advertisement -
ચૂંટણી સમયે રાજકીય પક્ષો અને ઉમેદવારો વિવિધ રીતે, વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રચાર કરીને મતદારો સુધી પોતાની વાત પહોચાડતા હોય છે. આ માટે તેઓ ખર્ચ કરતા હોય છે. જો કે કોઈપણ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતા નક્કી કરી છે અને નિયમો બનાવ્યા છે. જે મુજબ, ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂપિયા 40 લાખ નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં, ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવા-પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ પણ ચૂંટણી પંચે નક્કી કર્યા છે. જો કોઈ ઉમેદવાર નિર્ધારિત મર્યાદાથી વધુ ખર્ચ કરે તો ગેરલાયક ઠરે છે.
બીજી તરફ ચૂંટણીમાં કરાતા ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા રાજકોટ જિલ્લામાં દરેક વિધાનસભા વિસ્તાર દીઠ બે-બે સભ્યોવાળી બે વીડિયો સર્વેલન્સ ટીમ, ત્રણ સભ્યની એક વીડિયો વ્યુઇંગ ટીમ તેમજ બે સભ્યોની ખર્ચ નિરીક્ષક ટીમ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બે વિધાનસભા વિસ્તારદીઠ એક ખર્ચ નિરિક્ષક તેમજ સમગ્ર જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી પણ નિયુક્ત થયેલા હોય છે.