EC અધિકારીઓ હાલમાં મતદાનની ટકાવારી ઘટવાના કારણો પર કરી રહ્યા છે વિચાર, ચૂંટણી પંચ હવે કેટલાક નવા કાર્યક્રમો સાથે આગળ આવશે અને મતદારોને જાગૃત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે..
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સંબંધિત રાજ્યોમાં ધાર્યા કરતાં ખૂબ જ ઓછી મતદાન થયું હતું. વિગતો મુજબ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનનો આંકડો લગભગ 65.5 ટકા પર પહોંચી ગયો છે. ગયા શુક્રવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી માટે હવે 6 વધુ તબક્કા બાકી છે (26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂન). 4 જૂને મતગણતરી થશે. ગત સામાન્ય ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનમાં લગભગ 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચ પણ આને લઈને ચિંતિત છે અને મતદાન વધારવા માટે કેટલીક નવી રણનીતિઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
- Advertisement -
એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર ચૂંટણી પંચ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓછા મતદાનને લઈને ચિંતા વધી છે. મતદાન વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેનું બહુ પરિણામ આવ્યું નથી. અધિકારીએ કહ્યું કે, ECએ લોકોને વોટ કરવા માટે પ્રેરિત કરવામાં જબરદસ્ત કામ કર્યું છે. આ અંગે અનેક યોજનાઓ બનાવવામાં આવી હતી. તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ માટે જાણીતી હસ્તીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. BCCIના સહયોગમાં IPLનો ઉપયોગ પ્લેટફોર્મ તરીકે પણ કરવામાં આવ્યો હતો. જોકે એવું લાગે છે કે આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે.
ઓછા મતદાન માટેના કારણો પર વિચારણા
જો સૂત્રોનું માનીએ તો EC અધિકારીઓ હાલમાં મતદાનની ટકાવારી ઘટવાના કારણો પર વિચાર કરી રહ્યા છે. સપ્તાહના અંતે આ અંગે બેઠકો યોજવામાં આવી હતી અને વિવિધ કારણોની ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચ હવે કેટલાક નવા કાર્યક્રમો સાથે આગળ આવશે અને મતદારોને જાગૃત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી રવિ કુમારે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે મતદાન પછી તેમની સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ મતદાર જાગૃતિ મંચો મતદારોના પ્રતિસાદ વિશે પંચને જાણ કરશે. આ માટે બિનસરકારી સંસ્થાઓમાં મતદાર જાગૃતિ મંચની રચના કરવામાં આવી છે.