ઈદ-ઉલ-ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંના એક
ઈદ-ઉલ-ફિત્રએ ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક
- Advertisement -
ઈદ-ઉલ-ફિત્રને ‘મીઠી ઈદ’ પણ કહેવામાં આવે છે
ભારતમાં 31 માર્ચ એટલે કે આજે ઈદ મનાવવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. રમઝાન મહિના પછી શવ્વાલ મહિનાની પ્રથમ તારીખે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે લોકો શાંતિ અને સુખ-સમૃદ્ધિ માટે દુઆઓ માગે છે.
ઈદ-ઉલ-ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંના એક છે, જે રમઝાન મહિનો પૂર્ણ થયા પછી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક છે. રમઝાન એક એવો મહિનો છે જે ઉપવાસ (રોઝા), ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર, રમઝાનની સમાપ્તિ પછી શવ્વાલની પહેલી તારીખે ઈદ-ઉલ-ફિત્ર ઉજવાય છે. આ વિશેષ તહેવારની શરૂઆત સવારે વિશેષ નમાઝથી થાય છે, જેમાં હજારો લોકો એકસાથે મળીને અલ્લાહને દુઆ કરે છે.
- Advertisement -
આ વખતે રમઝાનની શરૂઆત 2 માર્ચ 2025થી થઈ હતી અને 30 માર્ચના રોજ ચાંદ દેખાયો, એટલે ઈદ-ઉલ-ફિત્ર 31 માર્ચે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે લોકો એકબીજાને ‘ઈદ મુબારક’ કહી શુભેચ્છા પાઠવે છે અને હાર્દિક મિલન કરે છે. ઈદ-ઉલ-ફિત્રને ‘મીઠી ઈદ’ પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ખીર, સેવૈયા અને અન્ય મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.
ઈદ-ઉલ-ફિત્રનું મહત્વ
ઈસ્લામિક માન્યતા અનુસાર, રમઝાનના પવિત્ર મહિને પ્રથમ વખત હઝરત મુહંમદ સાહેબને પવિત્ર કુરાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ઇસ્લામના ઇતિહાસમાં ‘બદ્રની લડાઈ’ ખૂબ મહત્વની માનવામાં આવે છે, જેમાં પયગંબર મોહમ્મદ અને તેમના અનુયાયીઓએ વિજય મેળવ્યો હતો. આ જ આનંદની ઉજવણી માટે ઈદ-ઉલ-ફિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. પયગંબર મોહમ્મદના મદીના આગમન બાદ ઇસ્લામિક સમુદાયે પહેલી વખત ઈદ-ઉલ-ફિત્ર ઉજવ્યો હતો.
આ દિવસે મીઠી ઈદી અથવા ઈદ-ઉલ-ફિત્ર તરીકે ઊજવણી થાય છે. આ તહેવારે ઘરોમાં મીઠી વાનગીઓ જેમ કે સેવૈયા , મિઠાઈ વગેરે બનાવવામાં આવે છે. ઘરે આવેલા મહેમાનોને આ વાનગીઓ પીરસવામાં આવે છે. સગા-સંબંધીઓ અને મિત્રોને ‘ઈદી’ એટલે કે તમામ બાળકોને ભેટ આપવામાં આવે છે. ઈદના પવિત્ર દિવસે એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ આપવામાં આવે છે.
ઈદ-ઉલ-ફિત્ર શા માટે ઉજવાય છે?
ઈસ્લામ ધર્મના અનુયાયીઓ માને છે કે જે લોકો રમઝાન મહિનામાં સાચા દિલથી રોઝા રાખે છે, તેમની પર અલ્લાહની વિશેષ કૃપા થાય છે. ઈદના દિવસે લોકો અલ્લાહનો આભાર માને છે કે તેમને રોઝા રાખવાની શક્તિ અને આ પવિત્ર મહિનો પૂર્ણ કરવાનો મોકો મળ્યો. આ પવિત્ર દિવસે ખાસ નમાઝ પઢવામાં આવે છે, તેના પછી લોકો પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્રોને ઈદની શુભેચ્છા આપે છે.
આ પવિત્ર તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે.
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.