ડ્રાઈવર-ક્લીનર ફસાઈ ગયા, પતરા તોડીને બહાર કાઢ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આજે વહેલી સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આઈસર એક ટ્રક પાછળ ઘૂસી જતા ડિવાઇડર કૂદી સામે આવી ગયું હતું. અકસ્માતનાં કારણે ડ્રાઇવર તેમજ ક્લીનર ખરાબ રીતે ફસાઈ ગયા હતા. જોકે આ અંગેની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો દોડી ગયો હતો અને ફાયર વિભાગની ટીમે મહામહેનતે પતરા તોડી બંનેને બહાર કાઢ્યા હતા. હાલ ડ્રાઈવર-ક્લીનરને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આ અંગેની આગળની તપાસ હાથ ધરી છે.
- Advertisement -
મળતી માહિતી અનુસાર વહેલી સવારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવ શક્તિ ઓટો ગેરેજની સામે આઈસર એક બંધ ટ્રક પાછળ ઘૂસી ગયું હતું. આઈશરની સ્પીડ એટલી વધારે હતી કે આ ટક્કર થતાં આઈસર ડિવાઈડર કૂદીને સામેની તરફ આવી ગયું હતું. જોકે સામે અન્ય કોઈ વાહન નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આઇસરમાં રહેલ ડ્રાઈવર અને ક્લીનર આઇસરમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. જાગૃત નાગરિકે જાણ કરતા ફાયર વિભાગ તેમજ પોલીસની ટીમ દોડી ગઈ હતી અને ફાયર વિભાગ દ્વારા આધુનિક સાધનોની મદદથી મહામહેનતે પતરા તોડીને ડ્રાઈવર-ક્લીનરને બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર વિભાગના કર્મચારી અભયસિંહે જણાવ્યું હતું કે, આ અંગેની જાણ થતાં બેડીપરા ફાયર વિભાગની અમારી ટીમ દોડી આવી હતી. ઘટના સ્થળે જોતા ડ્રાઈવર-ક્લીનર ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જોકે બંને જીવિત હોવાનું જોવા મળતા અડધો કલાકની જહેમત ઉઠાવી આધુનિક સાધનોની મદદથી પતરા તોડી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરનું નામ મહિપાલસિંહ વિરમસિંહ રાજપૂત તેમજ ક્લીનરનું નામ સુખદેવસિંહ રાજપૂત હોવાનું જાણવા મળ્યું છે.