ઉમારત્ન યોજનામાં પાટીદાર સમાજની નવી પેઢીને સહભાગી થવા અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
સિદસર ખાતે આયોજીત સામાજીક સંમેલનમાં પાટીદાર સમાજમાં અનેરૂ યોગદાન આપનાર ડો. ડાયાભાઇ પટેલ પરિવારની લંડન અભ્યાસ કરતી દિકરી રાધા મૌલેશભાઇ ઉકાણીએ સામાજીક પ્લેટફોર્મ પર મનનીય પ્રવચન આપીને સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જન મેદનીને પાટીદાર સમાજનું યુથ સામાજીક ક્ષેત્રે આગવી સુઝ બુઝ ધરાવતો હોવાનો પરિચય આપ્યો છે. સૌરાષ્ટ્રભરની અનેક સામાજીક સેવાકીય પ્રવૃતિમાં આર્થિક યોગદાન આપનાર ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીની દિકરી રાધાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની સમૃદ્ધિ વડીલોની અથાગ મહેનત અને દીર્ઘ દ્રષ્ટિને આભારી છે. આઝાદી પૂર્વ પાટીદાર સમાજ માત્ર ખેતી પર આધારિત હતો. આજની જેમ વેપાર ધંધા કે નોકરીના ક્ષેત્રમાં કાર્યરત ન હતો. તેવા સમયે શૈક્ષણિક સંકુલોની સ્થાપના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. સમાજ અને રાષ્ટ્રએ શું કર્યુ તેની જગ્યાએ આપણે સમાજ અને રાષ્ટ્ર માટે શું કરી શકીએ તેવા દ્રષ્ટાંત સાથે રાધા ઉકાણીએ સમાજની નવી પેઢીને ઉમારત્ન જેવી યોજનામાં સહભાગી થવા અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ પણ રાધાની વાતને બિરદાવી હતી.