નિયમોના ભંગ બદલ શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ખાનગી શાળાઓ દ્વારા નિયમોના ભંગ બદલ શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ વિભાગની એક ટીમે શહેરની 42 ખાનગી શાળાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જુદા-જુદા મુદ્દાઓને લઈને 25 જેટલી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે.
- Advertisement -
શિક્ષણ વિભાગે રજાના દિવસે શાળા ચાલુ રાખવી, ગણવેશ સંબંધિત મુદ્દાઓ, સ્ટેશનરીના વેચાણ અને શાળામાં ફાયર સેફ્ટીની અપૂરતી વ્યવસ્થા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન અનેક શાળાઓમાં નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે નોટિસ આપવાનો નિર્ણય લેવાયો હતો.
શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, હજુ પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. જે શાળાઓ નિયમોનો ભંગ કરતી જણાશે, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શાળાઓમાં શૈક્ષણિક અને સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે, જેથી વિદ્યાર્થીઓને યોગ્ય વાતાવરણ મળી શકે. આ કડક પગલાંથી ખાનગી શાળાઓમાં નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.