-એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમીર બાંખેડે અને અન્યો વિરુદ્ધ CBI દ્વારા નોંધાયેલ સમાન FIRના આધારે PMLA એક્ટ હેઠળ કેસ નોંધ્યો
બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન માટે એક સમયે મુશ્કેલી સર્જનાર મુંબઈ NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હવે પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વાત જાણે એમ છે કે, EDએ IRS ઓફિસર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે PMLA એક્ટ હેઠળ આ કેસ નોંધ્યો છે. EDએ કેટલાક લોકોને સમન્સ પણ જાહેર કર્યા છે. EDએ આગામી સપ્તાહે ત્રણ NCB અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે.
- Advertisement -
CBIએ સમીર વાનખેડે સામે પહેલા જ કેસ નોંધ્યો છે. આ તરફ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમીર બાંખેડે અને અન્યો વિરુદ્ધ CBI દ્વારા નોંધાયેલ સમાન FIRના આધારે PMLA એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. EDએ આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી છે. એટલું જ નહીં EDએ NCB અને અન્ય સાથે જોડાયેલા કેટલાક લોકોને આવતા અઠવાડિયે પૂછપરછમાં સામેલ થવા માટે તેની મુંબઈ ઓફિસમાં બોલાવ્યા છે.
વાસ્તવમાં CBIએ ગયા વર્ષે સમીર વાનખેડે અને અન્ય ચાર વિરુદ્ધ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવા બદલ 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં FIR દાખલ કરી હતી. શાહરૂખ ખાન અને પરિવાર આ કેસમાં ખરાબ રીતે ફસાયા હતા.
ઉલ્લેખનીય છે કે, જ્યારે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો હતો ત્યારે સમીર વાનખેડે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલ હેડ હતા. સમીર વાનખેડેના નેતૃત્વમાં NCBએ વર્ષ 2021માં મુંબઈના દરિયાકાંઠે એક ક્રુઝ પર દરોડા પાડ્યા હતા અને આર્યન ખાનની ધરપકડ કરી હતી. આ ડ્રગ કેસમાં આર્યન ખાનને લગભગ ચાર અઠવાડિયા જેલમાં રહેવું પડ્યું હતું. જોકે આગલા વર્ષે મે 2022માં આર્યન ખાનને પૂરતા પુરાવાના અભાવે તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.