અદાણી ગ્રુપના શેર પર ફરી એક વાર મુસીબતોનું આકાશ છવાઈ ગયું હોય તેવુ વર્તાઈ રહ્યું છે. હિંડનબર્ગ રિપોર્ટ બાદ હવે નવા રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સવાલો ઉભા થયા છે. વર્ષની શરૂઆતમાં હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર સવાલો ઉઠાવ્યા હતા, જેના પછી કંપનીને મોટું નુકસાન થયું હતું. સ્થિતિ એવી હતી કે અદાણીની સંપત્તિ અડધી થઈ ગઈ હતી. હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ એટલે કે વિશ્વના અગ્રણી રોકાણકાર જ્યોર્જ સોરોસના OCCRP એ અદાણી ગ્રૂપના રોકાણ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
OCCRPનો દાવો છે કે અદાણી પરિવારના ભાગીદારોએ શેરમાં રોકાણ કરવા માટે ‘ઓફ શોર’ એટલે કે અપારદર્શક ફંડનો ઉપયોગ કર્યો છે. OCCRPના રિપોર્ટ અનુસાર પ્રમોટર પરિવારના બિઝનેસ પાર્ટનર્સે મોરેશિયસ સ્થિત અનામી રોકાણ ફંડોના માધ્યમથી અદાણી ગ્રૂપના શેરોમાં કરોડો ડૉલરનું રોકાણ કર્યું હતું. OCCRPએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે તેની તપાસમાં ઓછામાં ઓછા બે કેસ પકડાયા હતા જ્યાં અનામી રોકાણકારોએ ઓફશ્યોર સ્ટ્રક્ચરના માધ્યમથી અદાણી ગ્રૂપના સ્ટોકને ખરીદયા અને વેચ્યા હતા.
- Advertisement -
OCCRP દ્વારા કરાયેલા આરોપો બાદ અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રૂપ વતી આરોપોને નકાર્યા બાદ પણ શેરનું વેચાણ જોવા મળી રહ્યું છે. અદાણી જૂથના દસમાંથી દસ શેર લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સમાચાર લખાય છે તે સમયે અદાણી પાવરના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 3.3 ટકા સુધીનો ઘટાડો થયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવમાં 2.50 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસમાં 2.25 ટકાનો ઘટાડો થયો હતો. અદાણી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી તમામ 10 કંપનીઓએ તેમની કુલ માર્કેટ કેપમાં રૂ. 35,624 કરોડનું નુકસાન નોંધાયેલ છે. બુધવારના ટ્રેડિંગના અંત સુધીમાં, જૂથનું માર્કેટ કેપ રૂ. 10,84,668.73 કરોડ હતું, જે આ સમાચાર લખાય છે તે સમયે ઘટીને રૂ. 10,49,044.72 કરોડ થયું છે.