ઉત્તરાયણ પર યુવતી મામલે ગોકુલધામમાં થયેલ અદાવત કારણભૂત
સીપી, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા : તાલુકા, ડીસીબી, એલસીબી, એસઓજીની ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે વધુ એક ફાયરિંગનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે વાવડી પોલીસ ચોકીની સામે જ વ્હેલી સવારે કુખ્યાત પેંડા ગેંગના સાગરીત પર ગોળીબાર કરી આરોપીઓ કારમા નાસી છૂટતા બનાવની જાણ થતાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી ક્રાઇમ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયાં હતાં જ્યારે તાલુકા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને એસઓજીની ટીમે આરોપીઓનું પગેરૂ દબાવવા ચક્રો ગતિમાન કર્યા હતાં ઉત્તરાયણ પર યુવતી મામલે ગોકુલધામમાં થયેલ અદાવત કારણભૂત હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના ગોંડલ રોડ પર આવેલ પુનીતનગરમાં રહેતાં પરેશ રાજુભાઇ બળદા ઉ.22 આજે વ્હેલી સવારે 5 વાગ્યે પુનિતનગરના ટાંકા પાસે આવેલ મંદિર પાસે મિત્રો સાથે બેઠો હતો ત્યારે સફેદ કલરની વર્ના કારમાં ઘસી આવેલાં છ જેટલા શખ્સોએ કાર ઉભી રાખી તેમાંથી બહાર નીકળેલ બે શખ્સોમાંથી એક શખ્સે પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરતાં પરેશને પગના સાથળના ભાગે ગોળી લાગી હતી આરોપીઓ ફાયરીંગ કરી કારમાં નાસી છૂટ્યા હતાં. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા પરેશને મિત્રોએ સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં પરેશ ગઢવી મજૂરીકામ કરે છે અને ત્રણ ભાઈ-બહેન છે ગઈકાલે પરેશ સહિતના પાંચ મિત્રો કાર લઈ જસદણ રોડ પર આવેલ માતાજીના મંદિરે દર્શન કરવાં ગયાં હતાં. જ્યાંથી મોડી રાત્રીના પરત આવી ઘટનાસ્થળે તમામ મિત્રો બેઠાં હતાં.
ત્યારે પ્રથમ સફેદ કલરની વર્ના કાર ત્યાંથી નીકળી હતી અને પરત આવી તેમાંથી ઉતરેલા એક શખ્સે રિવોલ્વર કાઢી પ્રથમ હવામાં ફાયરિંગ કર્યું હતું અને બાદમાં પરેશ જોવાં જતાં તેના પર બીજો રાઉન્ડ ફાયરિંગ કરતાં તેને પગમાં સાથળના ભાગે ગોળી ઘુસી ગઈ હતી ત્યારે તેની સાથે રહેલ એક મિત્ર તમામ શખ્સોને ઓળખી ગયો હતો અને ફાયરીંગ કરનાર જંગલેશ્વરના સમીર ઉર્ફે મુરઘો હતો તેમજ તેની સાથે તોફિક અહેમદ સમા, મુજડો, સંજય ઉર્ફે સંજો, નવાઝ અને સંજયનો ભાણો સાહિલ સંધી હોવાનું જણાવ્યું હતું રાધીકા નામની યુવતી સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો. જે યુવતી હાલ સોહિલ સાથે પ્રેમ સંબંધમાં છે અને તે યુવતી પાસે ગઈ થર્ટી ફર્સ્ટના દિવસે પરેશ સહિતના મિત્રો બિયર લેવાં ગયાં હતાં. જેનો ખાર રાખી આરોપીઓએ અનેકવાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો બાદ આજે વ્હેલી સવારે ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
બનાવની જાણ થતાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી ક્રાઈમ ભરત બસીયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રથમ ઘટનાસ્થળે અને બાદમાં સિવિલ હોસ્પિટલ પર દોડી ગયો હતો અને તાલુકા પોલીસ મથક પીઆઈ હરિપરા, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ ગોંડલીયા, એલસીબી, એસઓજી પીઆઇ જાડેજા સહિતની ટીમોએ આરોપીને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.