સ્વામીઓના દ્વારકાધીશ પર 4 દિવસમાં બીજું વિવાદાસ્પદ નિવેદન
સુરતના સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીનું દ્વારકાધીશ વિશે વિવાદાસ્પદ નિવેદન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે. બે વર્ષથી પ્રતિમા અને પુસ્તકોમાં સતત હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ સિલસિલો હજુ પણ અટક્યો નથી. તાજેતરમાં વધુ એક સ્વામીનો વિવાદિત વીડિયો વાઇરલ થયો છે. સુરત શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદન આપી રહ્યા છે કે, દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી’. હાલ આ 59 સેક્ધડના વાઇરલ વીડિયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,’ દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે.
વાઇરલ વીડિયોમાં સ્વામી નિવેદન આપી રહ્યાં છે કે, મહારાજ કહે છે કે જ્યારે અમે દ્વારકા ગયેલા, ત્યારે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરેલી, જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને મારે નિવાસ કરવો છે.’ આ વાતને વર્ષો પસાર થઈ ગયા બાદ મહારાજે વિચાર્યું કે આ વાતને સત્ય કરવાનો સમય આવી ગયો છે. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો, આંખ ખોલીને જોઉં તો દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા. એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ.જે બાદ દ્વારકાધીશ સ્વામીની સાથે વડતાલ આવવા માટે નીકળ્યા.
વીડિયો અંગે ગુરુકુળ તરફથી નિવેદન આપવાની ના
અત્રે ઉલ્લેખનીય છે કે, 59 સેક્ધડના આ વીડિયોમાં સ્વામીના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર લોકો ભારે ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. બીજી બાજુ, જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે આ વીડિયો અંગે પૂછવામાં આવ્યું ત્યારે ગુરુકુળ તરફથી કોઈ પણ નિવેદન આપવાની ના પાડવામાં આવી હતી. ગુરુકુળના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વામી વેડરોડ ખાતે રહે છે, આ વીડિયોમાં ઘણા એડિટ છે.
સ્વામિનારાયણ સંતે નવો વિવાદ છેડતાં ભક્તોએ વિશાળ રેલી
- Advertisement -
હિન્દુ સમાજ દ્વારા 48 કલાકનું અલ્ટિમેટમ
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે. હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં ’દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,’ દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું છે. એને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. એને લઇ દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગૂગળી બ્રાહ્મણ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા આજે (25 માર્ચે) વિશાળ રેલીનું આયોજન કરાયું હતું, સાથે જ હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લાં વર્ષોમાં એકથી વધુ વખત ધાર્મિક લાગણી દુભાય એવાં નિવેદન કે બફાટને કારણે વિવાદમાં રહ્યા છે. ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જ ’શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુશ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો’ નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો છે. તાજેતરના વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં કથિત રીતે જાણે દ્વારકાધીશ ભગવાન પર જ સવાલો ઊભા કરાયા હોય એમ ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ’ એવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે. એને લઇ સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે.
આજે સૌપ્રથમ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરી સરઘસરૂપે દ્વારકાના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે દ્વારકાધીશ મંદિરથી એસડીએમ કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
એ બાદ તમામ લોકો દ્વારકા પ્રાંત કચેરીએ પહોંચી, પ્રાંત અધિકારીને આ બાબતે જાણકારી આપી, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને મધ્યસ્થી કરી આ બાબતે સમાજને ન્યાય અપાવવાનું આહ્વાન કર્યું હતું.