વિદેશની ધરતી પર તિરંગાની તાકાત
ઈન્ટરનેશનલ બોર્ડર પર ફસાયેલા વિદ્યાર્થીઓ માટે તિરંગો વરદાનરૂપ સાબિત થયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય તિરંગો કેટલો શક્તિશાળી છે તેનો અનુભવ રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને થયો છે. વિદેશની ધરતી પર ચાલેલા ભીષણ યુદ્ધ વચ્ચે જિંદગી અને મૃત્યુ વચ્ચે બહુ ઝાઝુ અંતર નહોતું એ સમયે ઇન્ડિયન યૂથ માટે ભારતીય તિરંગો ‘વોરપ્રૂફ’ કવચ બનીને આવ્યો અને યુવાનોની જિંદગી બચાવી. આ સાથે વિશ્ર્વની મહાસત્તાઓ સહિત અન્ય દેશોએ પણ જોયું કે, ભારતીય તિરંગાનું સામર્થ્ય કેટલું છે.
એમ.બી.બીએસ.ના છઠ્ઠા વર્ષમાં અભ્યાસ કરતો ભારતીય વિદ્યાર્થી ઉદય ખૂંટ જણાવે છે કે, હમારી જાન તિરંગા હૈ – આ લાગણીઓ જન્મી હતી, જયારે હું અને મારા મિત્રો રશિયા-યુક્રેનના યુદ્ધમાં રોમાનિયા બોર્ડર પર 9 દિવસ માટે ફસાઈ ગયા હતા. ભારત સરકારની સૂચના હતી કે ભારતીયો રાષ્ટ્રધ્વજનો સહારો લઈને રોમાનિયા, પોલેન્ડ કે હંગેરીની બોર્ડર સુધી પહોંચી જાય. અમે વિદ્યાર્થીઓ હોવાના નાતે કાગળ અને કલર અમારી પાસે હતા, જેમાંથી અમે રાષ્ટ્રધ્વજ બનાવ્યો અને બસની આગળ માનપૂર્વક રાખ્યો હતો. રાષ્ટ્રધ્વજ બનાવતી વખતે જીવનનો અદભૂત અનુભવ થયો તથા ઉદય કહે છે કે મનમાં એમ હતું કે આ ધ્વજ જોઈને યુક્રેનિયન હોય કે રશિયન તેઓના મનમાં ભારત દેશ પ્રત્યે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે, આપણા વ્યવહાર પ્રત્યે સારી લાગણીઓ હશે અને આપણા રાષ્ટ્રધ્વજને ઓળખીને બધા ભારતીયો સાથે સારો વ્યવહાર કરશે. આવા સમયે તિરંગો જ અમારા માટે વિશ્ર્વાસ હતો અને તિરંગો જ વરદાનરૂપ સાબિત થયો. વધુમાં રોમાનિયા બોર્ડર સુધી પહોંચવામાં બે જગ્યાએ બસોને ઊભી રાખવામાં આવી હતી. એક વાર યુક્રેનિયન સૈનિકોએ અને એક વાર રશિયન સૈનિકોએ બસને ઊભી રાખી હતી. રાષ્ટ્રધ્વજ જોઈને પૂછયું કે, ઈન્ડીયન્સ? અમે હા પાડી ત્યાર બાદ તુરંત જ અમને આગળ જવાની મંજૂરી આપી દીધી. આ જોઈને હૈયું ગર્વથી બોલી ઉઠ્યું હતું કે, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા.