કોલકાતા રેપ-મર્ડર મામલે હડતાળનો પાંચમો દિવસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ડોક્ટરોની હડતાળના પાંચમાં દિવસે રેસિડેન્ટ ડોક્ટરોએ ‘ભગવાનનો દરજ્જો નહીં પણ ન્યાય આપો’ સહિતના બેનરો સાથે વિવિધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં ડોક્ટરો ભેગા થયા હતા અને ક્લિનિંગ અભિયાન હેઠળ હોસ્પિટલના કેમ્પસની સફાઈ કરવામાં આવી હતી તેમજ સ્થાનિક મુશ્કેલીઓ અંગે ડીનને રૂબરૂ મળી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
તો બીજી તરફ ડોક્ટર્સની હડતાળને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે અને અન્ય ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસવામાં આવી રહ્યા છે. પરંતુ હડતાળના કારણે ખૂબ ઓછા દર્દીઓ આજે જોવા મળ્યા હતા. જેમાં પણ એક દર્દીની હાલત ગંભીર હોવાથી તેને 108માં લાવ્યા હોવા છતાં માત્ર ઇન્જેક્શન આપીને રવાના કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ તેના પતિ દ્વારા કરાયો હતો.
દર્દીના પતિ ભીખાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આ હડતાડના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. ગઈકાલે સાંજે એક સંબંધીનો અકસ્માત થતા તેને લઇ આવ્યા હતા. ત્યારે માત્ર પાટાપીંડી કરીને જવા દેવામાં આવ્યા હતા.
આજે 108માં મારા પત્નીને લઈને આવ્યો હતો. તેને ચક્કર આવે છે અને હાલત ગંભીર જણાય છે. આમ છતાં ફરજ પરના ડોક્ટરે તેને દાખલ કરવાને બદલે ઇન્જેક્શન આપી રવાના કરી દીધા છે. જોકે, હજુ પણ તેમને ચક્કર આવતા હોવાથી હજુ અહીં સુતા છે. છતાં કોઇ બાવ પૂછતું નથી. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ડોક્ટર વિશ્વજીતના જણાવ્યા મુજબ કોલકાતામાં બનેલી ઘટનાને લઇ ચાલી રહેલી હડતાળનો આજે પાંચમો દિવસ છે. જેમાં પીડિતાને ન્યાય મળે તે માગ કરવાની સાથે હાલ ડોક્ટર્સ ઉપર અવારનવાર જે હુમલા થયા છે તેની સામે કડક કાયદો બનાવવાની પણ અમારી માગ છે. જે અંતર્ગત ગઇકાલે અમે વૃક્ષારોપણ કરીને વિરોધ કર્યો હતો. ત્યારે આજે ક્લિનિંગ અભિયાન હેઠળ હોસ્પિટલ કેમ્પસની સફાઈ કરી વિરોધ કરવામાં આવશે અને સાથે અહીં કામ કરવામાં સ્થાનિક ડોક્ટરોને પડતી મુશ્કેલીઓ અંગે ડીનને રજૂઆત કરી આ મામલે ત્વરીત પગલા લેવા માગ કરવામાં આવશે.