વર્ષ 2016થી મૌખિક રીતે ટેન્ડર પ્રક્રિયાના નામે મેડિકલ સ્ટોર શરૂ કરી દેવાયો, 9 વર્ષથી ટેન્ડર ભરાયું નથી
સુવિધા મેડિકલ સ્ટોર બંધ કરાવવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ મેદાને
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દી માટે આશીર્વાદ રૂપ છે. ગરીબ દર્દી અહીં નિ:શુલ્ક અને શ્રેષ્ઠ સારવાર મેળવી શકે તે માટે આવે છે પરંતુ સારવાર બાદ ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતી દવા જ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ન હોય એટલે કે દવાની અછત હોવાથી દર્દીઓ ના છૂટકે પૈસા ખર્ચી બહારથી દવા લેવા મજબૂર બને છે જેથી ગરીબ દર્દીઓ પાર આર્થિક ભારણ પણ વધે છે. ત્યારે તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પૂરતો દવાનો સ્ટોક કરવામાં આવે જેથી નાના અને ગરીબ દર્દીને દવા મળી રહે તેને દવા માટે બહારના મેડિકલ સ્ટોરમાં જવું ન પડે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં દવાનો સ્ટોક ન હોય તેની અછત છે તેવી ફરિયાદો દર્દીઓમાં છે બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર હોવા છતાં 2006થી સુવિધા મેડિકલ સ્ટોરના નામે ટેન્ડર બહાર પાડી સ્ટોર શરૂ કરી દેવાયો.
જોવાનું એ છે કે આ ટેન્ડરની અવધિ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ વર્ષ 2016થી મૌખિક રીતે ટેન્ડર પ્રક્રિયાના નામે મેડિકલ સ્ટોર શરૂ રાખવા દેવાયો. આમ છેલ્લા 9 વર્ષથી કોઈપણ ટેન્ડર વિના જ મેડિકલ સ્ટોર કાર્યરત છે. ત્યારે દર્દીઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ સિવિલ હોસ્પિટલના સંચાલકો દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.
ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ ઉભો થયો છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરી તાકીદે આ મેડિકલ સ્ટોર બંધ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહિ.