જૂનાગઢ ગિરનાર ફરતે 36 કી.મી. દુધધારા પરિક્રમા યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
દર વર્ષે જેઠ વદ યોગીની એકાદશી, અગિયારસ ના દિવસે દૂધ ધારા પરિક્રમા યોજાય છે જે પરિક્રમા ની શરૂઆત આશરે 65 વર્ષ થી પણ પહેલા પ.પૂ. ભગવતી બાપુના આશીર્વાદથી આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવેલ જે પરંપરા તેમના શિષ્ય પ.પૂ કરમણ ભગત બાપુ દ્વારા જાળવી રાખી ભવનાથ વિસ્તારમાં આવેલા નેસડામાં વસાહત કરતા માલધારી સમાજના સહયોગથી આ યાત્રા કરવામાં આવે છે. જેમાં માલધારી સમાજ દ્વારા આશરે 100 થી 150 લિટર દુધ આ યાત્રા માટે એકઠું કરવામાં આવે છે જે દૂધની ધારા સૌ પ્રથમ નેસમાં આવેલ ગિરનારેશ્વર મહાદેવ મંદિરે અભિષેક કરી ત્યાંથી ગિરનારના 30 પગથિયે મહાદેવના મંદિરે અભિષેક કરી યાત્રા શરૂ કરવામાં આવે છે.
આ પરિક્રમા સમગ્ર 36 કિલોમીટરના રૂટ પર ગિરનારી મહારાજને આ દૂધ ધારાથી અભિષેક કરવામાં આવે છે અને છેલ્લે ગિરનારના 30 પગથિયે આ યાત્રા પૂર્ણ કરવામાં આવે છે. આ યાત્રાનું મહત્વ એટલે છે કે આશરે 65 વર્ષ પહેલા અતિ દુષ્કાળની સ્થિતિ ઊભી થતા સંતોના સદ વિચારથી દૂધધારા પરિક્રમા શરૂ કરવામાં આવેલ એ સમયે દૂધ ધારા પરિક્રમા ચાલુ થઈ અને એ જ દિવસે પરિક્રમા પૂરી થાય તે પહેલા ધોધમાર વરસાદ થયેલો જેથી ત્યારથી અત્યાર સુધી ગિરનારી મહારાજની કૃપાથી આવી દુષ્કાળની સ્થિતિ પણ આવેલ નથી અને આ દૂધ ધારા પરિક્રમા પણ અવિરત ચાલુ છે હાલમાં આ યાત્રા પ.પૂ કરમણ ભગત બાપુના નેજા હેઠળ અને વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર તેમજ સામાજિક આગેવાનો, ડોલી એસોસિએશન વિગેરે ફોરેસ્ટ વિભાગ સાથે મળી યાત્રાનું આયોજન થાય છે જેમાં સમગ્ર હિન્દુ સમાજ એક શ્રદ્ધા સાથે આ પરીક્રમામાં જોડાય છે.



