ઉનાળો માથે છે ત્યારે વહીવટી તંત્રનો ’સબ સલામત’નો દાવો
આ વર્ષે વધુ 594 ગામોને સરફેસ વોટર આપવાનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.29
ગુજરાતમાં એપ્રિલ અને મે મહિનાના ઉનાળા દરમિયાન પીવાના પાણીના આયોજન સંદર્ભે બુધવારે યોજાયેલી સચિવોની બેઠકમાં વિસ્તૃત અહેવાલ રજૂ થયો હતો. જેમાં ’સબ સલામત’નો દાવો કરતાં રાજ્યના કુલ 207 પૈકી 63 ડેમ-જળાશયોનું પાણી પીવા માટે રિઝર્વ કરી તે ઝોનવાર આપવાનું આયોજન છતું કરાયું હતું. રાજ્યમાં 26મી માર્ચની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના કુલ 207 જળાશયો- ડેમમાં 14,004.95 મિલિયન ઘનમીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે કુલ સંગ્રહશક્તિના 55.44 ટકા છે. ગયા વર્ષે આ જ તારીખે આ બધા ડેમમાં કુલ 14,324.65 મિલિયન ઘનમીટર જથ્થો હતો, જે 56.70 ટકા હતો, આમ માત્ર 1.26 ટકા જથ્થો જ અને સરદાર સરોવરમાં માંડ 3.23 ટકા જથ્થો જ ગત વર્ષની તુલનાએ ઓછો છે. રાજ્યના પાંચે ઝોનના 34 ડેમોમાં જુલાઈના અંત સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે, જ્યારે નર્મદાના પાણીથી કચ્છના 1 અને સૌરાષ્ટ્રના 27 મળી 28 ડેમો ભરાશે, આ સિવાય સૌરાષ્ટ્રના સાની ડેમમાંથી પાણીનો વપરાશ નથી, આમ કુલ 63 ડેમમાંથી ઉનાળા દરમિયાન પીવાનું પાણી અપાશે. એવું પણ જણાવાયું હતું કે, રાજ્યમાં 10,455 ગામો અને 190 જેટલા શહેરો-નગરોને નર્મદાનું પાણી અપાય છે, બાકીના 4,599 ગામો અને 61 શહેરો-નગરોને અન્ય ડેમ-જળાશયોમાંથી પાણી છે, જ્યારે 3,098 ગામોમાં ગામ આધારિત પાણીપુરવઠાની યોજનામાંથી પાણી અપાય છે. ગત વર્ષ સુધી રાજ્યના કુલ 14,460 ગામોને સરફેસ વોટરથી સાંકળવામાં આવ્યા છે અને આ વર્ષે વધુ 594 ગામોને સરફેસ વોટર આપવાનું આયોજન છે.