ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરમાં આ વર્ષે 60 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, તેમ છતાં પીવાના પાણીની સમસ્યા સીમાચિહ્ને પહોંચી છે. શહેરના ખંભાળા અને ફોદાળા ડેમો છલકાયા હોવા છતાં અનેક વિસ્તારોમાં લોકોને પાણી પૂરું પડતું નથી, અને કેટલાક વિસ્તારોમાં તો પાંચ-પાંચ દિવસ સુધી પણ પાણી મળી રહ્યું નથી. આ સમસ્યાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પાલિકા દ્વારા જન્માષ્ટમીના સમયે દરેક ઘરને એક કાંતરા પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પાણી વિતરણ વ્યવસ્થા હાલની સ્થિતિમાં અછોટ છે. શહેરના ખારવાવાડ સહિતના અનેક વિસ્તારોમાં નિયમિત અને પુરતું પાણી નહીં મળતા લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
શહેરના કેટલાક વિસ્તારો પાણી માટે માત્ર પાલિકાના વિતરણ પર નિર્ભર છે, અને પાણીના અન્ય કોઇ સોર્સ ન હોવાના કારણે આ વિસ્તારોની સ્થિતિ વધુ કથિન બની છે. નર્મદા યોજનાનું પાણી અને ડેમોમાં પૂરતી જળરાશી હોવા છતાં પાલિકાની પાણી વિતરણ વ્યવસ્થામાં ઉણપો જોવા મળી રહી છે, જે હવે શહેરવાસીઓ માટે તકલીફનું કારણ બની છે. શહેરની પાણીની જરુરિયાત 33 એમએલડી હોવા છતાં શહેરવાસીઓને નિયમિત અને પૂરતું પાણી પુરુ પાડવામાં પોરબંદર પાલિકા નિષ્ફળ નીવડી રહી છે. આવી પરિસ્થિતિમાં, શહેરના નાગરિકોએ પાલિકાને વધુ જવાબદાર બનવાની અને પાણી વિતરણ વ્યવસ્થા સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે માંગણી કરી છે.