પુરસ્કારમાં મળેલા રકમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી માટે આપશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં પોરબંદરના ડો. ચેતનાબેન (રૂપારેલ) તિવારીને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્ત્વપૂર્ણ કામગીરી કરનારી એકમાત્ર મહિલા તરીકે ડો. તિવારીની પસંદગી કરવામાં આવી હતી.
પુરસ્કારરૂપે મળેલ રૂપિયા 50,000 વિશે માહિતી આપતાં ડો. ચેતનાબેને જાહેરાત કરી કે, આ રકમ પોરબંદરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવામાં વપરાશે. તેમની માનવતાવાદી દ્રષ્ટિ અને શિક્ષણક્ષેત્રે સહકાર આપવાની ભાવના માટે સમગ્ર પોરબંદર જિલ્લામાંથી અભિનંદન વરસી રહ્યાં છે.
પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો. ચેતનાબેને વિવિધ સ્તરે મહિલા ઉત્થાન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. તેમના એવોર્ડ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. સેવા કાર્ય માટે મળેલ એવોર્ડ પોરબંદર માટે ગૌરવની વાત બની છે અને સ્થાનિક સ્તરે પણ ડો.ચેતનાબેનના સેવાકાર્યને વધુ ઉર્જા મળી છે.