૧૭ જુલાઇ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું અને ડો. આંબેડકરે ભારતીય સંવિધાનનું નિર્માણ કાર્ય કર્યું. આ સંવિધાનમાં મૌલિક અધિકાર સ્વતંત્રતાનો અધિકાર જીવન જીવવાનો અધિકાર શોષણના વિરોધનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધિત અધિકારો વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. ડો. આંબેડકરને સંવિધાનનો ખરડો તૈયાર કરવામાં કેટલી મહેનત પડી હતી તેનું અનુમાન સંવિધાન સભાના તમામ સદસ્યોએ ડો. આંબેડકરના કાર્યની પ્રશંસા કરી હતી તેના પરથી જ લગાવી શકાય છે. ડો પંકજકુમાર મુછડીયા જણાવે છે કે સમાનતા સ્વતંત્રતા બંધુતા સામાજિક ન્યાય જેવા માનવીય મુલ્યો અને મનુષ્ય સમાજના મૂળભૂત અધિકારો માટે આજીવન લડનારા ડો.આંબેડકર મહામાનવ હતા. અનેક સંઘર્ષો ઝંઝાવતો મુસીબતો સામે એક યોદ્ધાની માફક ઝઝૂમી ડો. આંબેડકરે મનુષ્ય સમાજના મૂળભૂત અધિકારો અને પ્રકૃતિદત્ત હકોને બંધારણીય રીતે પ્રસ્થાપિત કર્યા હતા સાથોસાથ તેની જાળવણી અને સંવર્ધન માટે કાયદાનું શાસન પણ સ્થાપ્યું હતું.
ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૨થી ૩૫મા મૂળભૂત અધિકારોને પ્રાથમિકતા આપવામાં આવી છે. ડો. આંબેડકર મૂળભૂત અધિકારોના પ્રખર સમર્થક અને મજબૂત લડવૈયા હતા. મૂળભૂત અધિકારો તે મનુષ્ય સમાજના પ્રાથમિક અને આવશ્યક અધિકારો છે તેના જતન અને સંવર્ધન વગર કોઈ જ સમાજ કે દેશ પ્રગતિ કરી શકે નહીં. ડો આંબેડકરે સ્વતંત્રતા સમાનતા બંધુતા સામાજિક ન્યાય સહઅસ્તિત્વ જેવા મૂળભૂત અને માનવીય અધિકારોની હિમાયત તો ખરી જ હતી પરંતુ સાથે સાથે તેના ઉલ્લંઘન થી કેવા પરિણામો સર્જાય છે તે તરફના ભયસ્થાનો પણ બતાવ્યા હતા. કોઈ પણ સમાજ કે રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણની ખૂબ જ મહત્વની ભૂમિકા રહેલી છે ડો. આંબેડકરે ભારતના દરેક સમાજના દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાનો અધિકાર આપ્યો.
- Advertisement -
તમામ દુઃખો પીડાઓ અને અન્યાયોનું નિરાકરણ શિક્ષણ થકી જ શક્ય છે એવું સ્પષ્ટપણે ડો આંબેડકર માનતા હતા આજે ભારતની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી મહત્વના સ્થાનો પર પોતાની ભૂમિકા ભજવી રહી છે તેનું શ્રેય ડૉ.આંબેડકરને જાય છે. ડો. આંબેડકર સ્ત્રી મુક્તી ના સાચા સમર્થક અને હિમાયતી હતા તેઓ સ્ત્રીઓના ઉદ્ધારક અને મુક્તિદાતા પણ હતા. ભારતીય બંધારણમાં અનુચ્છેદ ૧૪ અનુચ્છેદ ૧૬ અનુચ્છેદ ૪૬ દ્વારા સ્ત્રીઓને સમાન અધિકારો અપાયેલા જોઈ શકાય છે સ્ત્રીઓની મુક્તિમાં ડો. આંબેડકર ની ભૂમિકા ક્યારેય વિસારી શકાય તેમ નથી.ડો.આંબેડકરનો આદર્શ સમાજ સમાનતા સ્વતંત્રતા ભાતૃત્વ દ્વારા સામાજિક ન્યાય પર આધારિત હતો. ડો.આંબેડકર એવા સમાજના હિમાયતી હતા જે વ્યક્તિને પોતાના વિકાસ માટે સંપૂર્ણ આઝાદી આપતો હોય અને એના સન્માન ગૌરવનું રક્ષણ કરતો હોય કારણ કે તેઓ માનતા હતા કે વ્યક્તિ સમાજનો નિર્માતા છે.
– ડો પંકજકુમાર મુછડીયા રાજકોટ