બે વર્ષમાં તુવેરદાળમાં પ્રતિકિલો રૂા.65 નો સૌથી મોટો ભાવ વધારો: મગ – અડદ – ચોખા – ઘઉં – ચણાદાળ પણ મોંઘા
ખાદ્યચીજોમાં સતત ભાવવધારાને કારણે ફુગાવો કાબુમાં આવી શકતો નથી પરીણામે કેન્દ્ર સરકાર પણ ચિંતીત છે જયારે છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો ભાવ વધારો તુવેરદાળમાં નોંધાયો હતો અન્ય તમામ કઠોળ પણ આ સમય ગાળામાં મોંઘા થયા છે.
- Advertisement -
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા ઓગસ્ટ મહિનામાં ખાદ્યચીજોનાં ભાવોનુ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. તેના રીપોર્ટમાં ચોખા-કઠોળના ભાવમાં વધારો હોવાનું સુચવાયુ છે. ચોખામાં પ્રતિકિલો રૂા.8 નો વધારો માલુમ પડયો છે. ગત વર્ષની સરખામણીએ 8.1 ટકાનો ભાવ વધારો છે અને આજ કારણોસર સરકારે ખુલ્લા બજારમાં રૂા.2325 ના ભાવે ઘઉં તથા 2800 રૂપિયા પ્રતિ કવીન્ટલના ભાવે ચોખા વેચવાની મંજુરી આપી છે.
સરકારે ખરીદ સિઝન 2023-24 ના 524 લાખ ટન ચોખાની ખરીદી કરી હતી જે આગલા વર્ષ કરતાં આઠ ટકા ઓછી હતી. જોકે જુલાઈ સુધી સરકાર પાસે 473 લાખ ટનનો ચોખાનો સ્ટોક હતો તે આગલા વર્ષે કરતા 21 ટકા વધુ હતો. સરકાર પાસે ઘઉંનો સ્ટોક 276 લાખ ટન હતો.કઠોળમાં ડીમાંડ સામે સપ્લાય ઓછી રહી હોવાના કારણોસર ભાવમાં અસર જોવા મળી હતી. ચણામાં મબલખ ઉત્પાદન હતુ છતાં ભાવ તેજી તરફી હતા.જોકે અન્ય કઠોળ કરતાં તેજી પ્રમાણમાં ઓછી હતી. ઓગસ્ટ 2022 ની સરખામણીએ ઓગસ્ટ 2024 માં ચોખા-કઠોળ ઘણા મોંઘા થયા હતા. તેમાં સૌથી વધુ પ્રતિકલિ રૂા.65 નો ભાવ વધારો તુવેરદાળમાં હતો.
તુવેરનાં ભાવ ઓગસ્ટ 2022 માં 105 હતો તે હવે 170 રહ્યો છે. અડદનો ભાવ 105 વાળો 115, મગદાળનો ભાવ 98 વાળો 110 થયો છે. ચણાદાળમાં સરેરાશ 10 રૂપિયાનો ઉછાળો છે.ચોખાના ભાવ પ્રતિકિલો રૂા.36 વાળા 44 તથા ઘઉંના ભાવ પ્રતિકિલો રૂા.29 થી વધીને રૂા.32 થયા છે.