માધ્યમ સુંદર છે, ઉપયોગી છે, વિખૂટા પડી ગયેલાં સ્વજનો અને મિત્રોનું પુનર્મિલન કરાવે છે.
વિચારોનું આદાનપ્રદાન થઈ શકે છે, નવા દોસ્તો બને છે, નિરસ, એકલવાયું જીવન વ્યતિત કરતાં લોકોનાં જીવનમાં એ થોડી થ્રિલ આણે છે. સોશિયલ મીડિયાનાં ફાયદા બેશુમાર છે. ગણ્યા ન ગણાય તેટલાં. ટૂંકમાં કહીએ તો અશ્ર્વ ગાંડો નથી પણ તેનો સવાર પાગલ છે. સોશિયલ મીડિયા કહેવું કે એન્ટી સોશિયલ મીડિયા? ધંધુકાનાં કિશન ભરવાડની હત્યા પછી ફરી એક વખત અનેક સવાલો સપાટી પર આવ્યા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર સિત્તેરથી એંશી ટકા લોકો તેનાં થકી માત્ર આનંદ-વિનોદ કરે છે, હળવી મજાક-મસ્તી કરે છે. નાનાં-નાનાં ટ્રાવેલોગ લખે છે. પણ બાકીનાં વીસ-ત્રીસ ટકા લોકો એકદમ જ વિકૃત છે અને વિકારો ફેલાવવાનું જ તેમનું કામ છે. કોઈ દેવી-દેવતાનું અપમાન કરતી પોસ્ટ મૂકે, કોઈ ધાર્મિક માન્યતાની હાંસી ઉડાવતું લખાણ પોસ્ટ કરે, આ લોકોનું કામ માત્ર વાતાવરણ ડહોળવાનું જ. માત્ર યુવાનો જ નહીં, યુવતીઓ પણ આવી હરકતો કરવામાં પાછળ નથી. સોશિયલ મીડિયા પર તેઓ અત્યંત છીછરી હરકતો કરે છે, સામસામી ગાળાગાળી કરીને બેફામ અશ્ર્લિલ ભાષાનો ઉપયોગ કરે છે.
ક્યારેક તો એવું લાગે છે કે, કેટલાંક લોકો માત્ર પોતાનાં ટી.આર.પી. વધારવા આવી ફેબ્રિકેટેડ લડાઈ કરે છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક અને વ્હોટ્સએપ લુખ્ખાઓનાં આખા સમુહ બની ગયા છે, ઝૂંડ બની ગયા છે. આ માધ્યમોએ અનિષ્ટ તત્ત્વોને એક થવાનું પ્લેટફોર્મ પૂરૂં પાડ્યું છે. પછી લુખ્ખેશોનું એક ટોળું લુખ્ખેશોનાં અન્ય ટોળાં સાથે બાખડે છે. વર્ચ્યુઅલ લડાઈ ક્યારે વાસ્તવિક યુદ્ધમાં પરિવર્તિત થઈ જાય છે, તેનો ખ્યાલ પણ રહેતો નથી. રાજકોટ-સુરતની ગેન્ગ વચ્ચેનું ધિંગાણું હજુ તાજું જ છે. વાત-વાતમાં એવું વાંકુ પડ્યું કે, રાજકોટનાં જૂથે સુરત જઈ પેલાને ઢીબી નાંખ્યો. સોશિયલ મીડિયાનાં દુરૂપયોગની આ તો હજુ શરૂઆત છે. જેને આપણે આપણી શેરી વાળવા પણ ન રાખીએ એવાં લુખ્ખાઓ ઈન્સ્ટા, ફેસબૂક પર હીરો બનીને ફરે છે. જેને આપણે કામવાળી તરીકે પણ ન રાખીએ તેવી યુવતીઓ આ માધ્મયો પર મોટાં સ્ટાર બનીને ફરે છે. તેમની ટી.આર.પી.નો એકમાત્ર આધાર હલકી ભાષા અને હલકી ચેષ્ટાઓ છે. આ માધ્યમો પર નિયંત્રણ શક્ય નથી, પરંતુ આવી ભૂતાવળો પર અંકુશ ચોક્કસ શક્ય છે. આવા ભટકતા આત્માઓને એક પછી એક વીણી-વીણીને પોલીસે ધોકાબાજી કરવાની જરૂર છે.